2
સુલેમાનને દાઉદની આખરી સૂચનાઓ
1 દાઉદ રાજાના મરણના દિવસો નજીક હતા ત્યારે તેણે પોતાના દીકરા સુલેમાનને આજ્ઞા આપી,
2 “હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું. માટે તું બળવાન તથા પરાક્રમી થા.
3 જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાહના માર્ગમાં ચાલીને, તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમનાં સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે તું કરે તેમાં તથા જ્યાં કહી તું જાય ત્યાં તું ફતેહ પામે.
4 જેથી ઈશ્વરે મારા સંબંધી પોતાનું જે વચન આપ્યું હતું તે તેઓ ફળીભૂત કરે, એટલે કે ‘જો તારા દીકરાઓ પોતાના માર્ગ વિષે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી વિશ્વાસુપણે મારી સમક્ષ ચાલશે, તો ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ તને પડશે નહિ.’ ”
5 સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સૈન્યના બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને તથા યેથેરના દીકરા અમાસાને મારી નાખ્યા હતા, તે તું જાણે છે. તેણે શાંતિના સમયમાં યુદ્ધના જેવું લોહી પાડીને તે યુદ્ધનું લોહી પોતાની કમરે બાંધેલા કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.
6 તું તારા ડહાપણ અનુસાર યોઆબ સાથે વર્તજે, પણ તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.
7 પણ ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું કૃપા રાખજે અને તેઓ તારી મેજ પર ભોજન કરનારાઓમાં સામેલ થાય, કેમ કે જયારે હું તારા ભાઈ આબ્શાલોમથી નાસતો ફરતો હતો, ત્યારે તેઓ મારી સાથે એવી રીતે વર્ત્યા હતા.
8 જો, તારી પાસે ત્યાં બાહુરીમનો બિન્યામીની ગેરાનો દીકરો શિમઈ છે, હું માહનાઇમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો. શિમઈ યર્દન પાસે મને મળવા આવ્યો અને મેં યહોવાહની હાજરીમાં તેને કહ્યું, ‘હું તને તલવારથી મારી નાખીશ નહિ.’
9 પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહિ. તું બુદ્ધિમાન છે અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પળિયાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”
દાઉદનું મૃત્યુ
10 પછી દાઉદ પોતાના પૂર્વજોની જેમ ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.
11 દાઉદે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું.
12 પછી સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું.
અદોનિયાની માગણી અને મોત
13 પછી હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથશેબા પાસે આવ્યો. બેથશેબાએ તેને પૂછ્યું, “શું તું શાંતિપૂર્વક આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “શાંતિપૂર્વક આવ્યો છું.”
14 પછી તેણે કહ્યું, “મારે તમને કંઈક કહેવું છે.” તેથી તેણે જવાબ આપ્યો “બોલ.”
15 અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો. પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાહે તે તેને આપેલું હતું.
16 હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ.” બાથશેબાએ તેને કહ્યું, “બોલ.”
17 તેણે કહ્યું, “કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગ સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહિ પાડે.”
18 બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”
19 બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તે તેને જમણે હાથે બેઠી.
20 પછી તેણે કહ્યું, “મારે તને એક નાની વિનંતી કરવાની છે; મને ના પાડીશ નહિ.” રાજાએ જવાબ આપ્યો, “બોલ, મારી માતા, હું તને ના નહિ પાડું.”
21 તેણે કહ્યું, “શૂનામ્મી અબીશાગનું લગ્ન તું તારા ભાઈ અદોનિયા સાથે કરાવ.”
22 સુલેમાન રાજાએ પોતાની માતાને જવાબ આપ્યો, “તું અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગે છે? તેને માટે રાજ્ય પણ માગ, કેમ કે તે મારો મોટો ભાઈ છે. તેને માટે, અબ્યાથાર યાજકને માટે તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ માગ.”
23 પછી સુલેમાન રાજાએ યહોવાહની હાજરીમાં કહ્યું, “એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો.
24 તો હવે જીવતા યહોવાહ કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે, મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે અને મારા માટે ઘર બનાવ્યું છે તેમની હાજરીમાં અદોનિયા ચોક્કસ માર્યો જશે.”
25 તેથી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને મોકલ્યો; બનાયાએ અદોનિયાને શોધીને મારી નાખ્યો.
અબ્યાથારને દેશવટો:યોઆબને મોત
26 પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાના ખેતરોમાં જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ. કારણ કે તેં ઈશ્વર યહોવાહનો કોશ મારા પિતા દાઉદ સમક્ષ ઊંચકેલો અને મારા પિતાએ સહન કરેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયો હતો.”
27 આમ સુલેમાને યહોવાહના યાજકપદ પરથી અબ્યાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિષે યહોવાહે શીલોમાં જે વચન કહ્યાં હતાં તે તે પૂરાં કરે.
28 યોઆબને એ સમાચાર મળ્યા, કેમ કે યોઆબે અદોનિયાનાનો પક્ષ લીધો, પણ તેણે આબ્શાલોમનો પક્ષ લીધો ન હતો. તેથી યોઆબે યહોવાહના મંડપમાં નાસી જઈને વેદીના શિંગ પકડ્યાં.
29 સુલેમાન રાજાને સમાચાર મળ્યા કે યોઆબ યહોવાહના મંડપમાં નાસી ગયો છે અને હવે તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને મારી નાખ.”
30 તેથી બનાયાએ યહોવાહના મંડપમાં આવીને તેને કહ્યું, “રાજા કહે છે, ‘બહાર આવ.’ યોઆબે જવાબ આપ્યો, “ના, હું તો અહીં મરણ પામીશ.” તેથી બનાયાએ રાજાની પાસે આવીને કહ્યું જણાવ્યું, “યોઆબે કહ્યું છે કે તે વેદી પાસે મરણ પામવા ઇચ્છે છે.”
31 રાજાએ તેને કહ્યું, “તેના કહ્યા પ્રમાણે કર. તેને મારી નાખ અને દફનાવી દે, કે જેથી યોઆબે વગર કારણે પાડેલા લોહીનો દોષ તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.
32 તેણે વહેવડાવેલું લોહી ઈશ્વર તેના પોતાના માથા પર પાછું વાળશે, કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી એવા બે સારા માણસો પર, એટલે નેરના દીકરા એટલે ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર હુમલો કરીને તેઓને તલવારથી મારી નાખ્યા.
33 તેથી તેઓનું લોહી યોઆબના માથા પર તથા તેના વંશજોના માથા પર સદા રહેશે. પણ દાઉદને, તેના વંશજોને, તેના ઘરને, તથા તેના રાજ્યાસનને યહોવાહ તરફથી સર્વકાળ શાંતિ મળશે.”
34 પછી યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દફનાવવામાં આવ્યો.
35 તેની જગ્યાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ તરીકે અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યાજક તરીકે નીમ્યા.
શિમઈને મોતની શિક્ષા
36 પછી રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવીને તેને કહ્યું, “તું યરુશાલેમમાં ઘર બાંધીને ત્યાં રહે અને ત્યાંથી ક્યાંય જતો નહિ.
37 કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન ખીણની પેલી પાર જાય, તો જરૂર જાણજે કે તે દિવસે તું ચોક્કસ મરણ પામીશ. તારું લોહી તારે પોતાને માથે આવશે.”
38 તેથી શિમઈએ રાજાને કહ્યું, “તું જે કહે છે તે સારું છે. જેમ મારા માલિક રાજાએ કહ્યું તેમ તારો સેવક કરશે.” તેથી શિમઈ યરુશાલેમમાં ઘણા દિવસો સુધી રહ્યો.
39 પણ ત્રણ વર્ષના અંતે, શિમઈના બે ચાકરો માકાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. તેની તેઓએ શિમઈને ખબર આપી, “જો, તારા ચાકરો ગાથમાં છે.”
40 પછી શિમઈ ઊઠીને ગધેડા પર જીન બાંધીને પોતાના ચાકરોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. અને પોતાના ચાકરોને ગાથથી પાછા લાવ્યો.
41 જયારે સુલેમાનને કહેવામાં આવ્યું કે શિમઈ યરુશાલેમથી રવાના થઈ ગાથ ગયો હતો અને પાછો આવી ગયો છે,
42 ત્યારે રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવડાવીને કહ્યું, “શું મેં તને યહોવાહના સમ આપીને આગ્રહથી કહ્યું ન હતું, ‘જો તું અહીંથી રવાના થઈને ક્યાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે ચોક્કસ તારું મરણ થશે?’ પછી તેં મને કહ્યું હતું, ‘તું જે કહે છે તે સારું છે.’ ”
43 તો પછી શા માટે તેં યહોવાહના સમનો તથા મેં તને જે આજ્ઞા આપી તેનો અમલ કર્યો નહિ?”
44 વળી રાજાએ શિમઈને કહ્યું, “મારા પિતા દાઉદ પ્રત્યે તેં જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું તારા હૃદયમાં સારી રીતે જાણે છે. માટે તારી દુષ્ટતા યહોવાહ તારે માથે પાછી વાળશે.
45 પણ સુલેમાન રાજા તો આશીર્વાદિત થશે અને દાઉદનું રાજ્યાસન યહોવાહની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”
46 અને રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા આપી અને તેણે બહાર નીકળીને શિમઈને મારી નાખ્યો. તેથી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.