20
હિઝકિયા રાજાની માંદગી
યશા. 38:1-8,21-22; 2 કાળ. 32:24-26
તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવાહ કહે છે, ‘તારા કુટુંબનો બંદોબસ્ત કર; કેમ કે, તું મરી જશે, જીવશે નહિ.’ ” ત્યારે હિઝકિયાએ દીવાલ તરફ પોતાનું મોં ફેરવીને યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું કે, હું કેવી રીતે તમારી આગળ વિશ્વાસુપણે તથા મારા પૂરા હૃદયથી ચાલ્યો છું, તમારી દ્રષ્ટિમાં જે સારું હતું તે મેં કર્યું છે, તેને યાદ કરો.” પછી હિઝકિયા બહુ રડ્યો.
યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, યહોવાહનું વચન તેની પાસે એવું આવ્યું કે, “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, ‘તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે.
હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ, તને તથા આ નગરને હું આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ.” યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.
પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?” યશાયાએ કહ્યું, “યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?”
10 હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દસ અંશ આગળ વધે એ તો નાની વાત છે; એમ નહિ, પણ દસ અંશ પાછો હઠે.” 11 યશાયા પ્રબોધકે યહોવાહને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો, ત્યાંથી તેમણે દસ અંશ પાછો હઠાવ્યો.
બાબિલના રાજાના પ્રતિનિધિઓ
યશા. 39:1-8
12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા બરોદાખ-બાલાદાને સંદેશાવાહકો સાથે હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યાં, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, હિઝકિયા માંદો પડ્યો છે. 13 હિઝકિયાએ તેઓનું સાંભળીને તેઓને પોતાની કિંમતી વસ્તુઓથી ભરેલો આખો મહેલ, ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ, શસ્રભંડાર અને ભંડારમાં જે બધું મળી આવ્યું તે સર્વ સંદેશાવાહકોને બતાવ્યું. ત્યાં આખા ઘરમાં કે રાજ્યમાં એવું કંઈ ન હતું, કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.
14 ત્યારે પ્રબોધક યશાયાએ હિઝકિયા પાસે આવીને તેને પૂછ્યું, “આ માણસોએ તને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.” 15 યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું જોયું?” હિઝકિયાએ કહ્યું, “તેઓએ મારા મહેલમાં બધું જ જોયું છે. મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેઓને બતાવી ના હોય.”
16 ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાહનું વચન સાંભળ, 17 ‘જો, એવા દિવસો આવી રહ્યા છે કે જયારે તારા મહેલમાં જે બધું છે તેનો, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ સંગ્રહ કર્યો છે તે બધું જ, બાબિલમાં લઈ જવામાં આવશે. કશું જ બાકી રહેશે નહિ એવું યહોવાહ કહે છે. 18 અને તારા દીકરા જે તારાથી ઉત્પન્ન થશે, જેઓ તારા વંશજો થશે, તેઓને તેઓ લઈ જશે; તેઓને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.’ ”
હિઝકિયા રાજાનું મૃત્યુ
2 કાળ. 32:32-33
19 હિઝકિયાએ યશાયાને કહ્યું, “તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે” 20 હિઝકિયાનાં બીજાં કાર્યો, તેનું બધું પરાક્રમ, તે જે તળાવ તથા ગરનાળું બનાવી નગરમાં પાણી લાવ્યો, તે બધું યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 21 હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી તેનો દીકરો મનાશ્શા તેની જગ્યાએ રાજા બન્યો.