22
યહૂદિયાના યોશિયાનો રાજ્યકાળ
2 કાળ. 34:1-2
યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની દીકરી હતી. તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહિ.
નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું
2 કાળ. 34:8-28
યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે એવું બન્યું કે, તેણે મશુલ્લામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન નાણામંત્રીને યહોવાહના ઘરમાં એમ કહીને મોકલ્યો કે, “મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, જે નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવ્યાં છે, દ્વારરક્ષકોએ જે નાણાં લોકો પાસેથી ભેગા કર્યાં છે તેની ગણતરી તે કરે. તેઓ તે યહોવાહના સભાસ્થાનની દેખરેખ રાખનાર કામદારોની પાસે લાવીને તેઓના હાથમાં સોંપે, તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારને આપે.
તેઓ તે નાણાં સભાસ્થાનનાં સમારકામ કરનારા સુથારો, કડિયા, સલાટોને તથા સભાસ્થાનના સમારકામ માટે લાકડાં અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે આપતા હતા. જે નાણાં તેઓને આપવામાં આવતાં તેનો હિસાબ તેઓની પાસેથી લેવામાં આવતો નહિ. કેમ કે, તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા.
મુખ્ય યાજક હિલ્કિયાએ નાણામંત્રી શાફાનને કહ્યું, “મને યહોવાહના સભાસ્થાનમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું અને તેણે તે વાંચ્યું. પછી શાફાને જઈને રાજાને પુસ્તક આપીને કહ્યું કે, “તમારા ચાકરોને જે નાણાં સભાસ્થાનમાંથી મળ્યાં, તે તેમણે યહોવાહનું સભાસ્થાનની સંભાળ રાખનાર કામદારોને આપી દીધાં છે.” 10 પછી નાણામંત્રી શાફાને રાજાને કહ્યું, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.” શાફાને તે રાજાની આગળ વાંચ્યું.
11 રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એવું બન્યું કે, તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં 12 રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખ્બોરને, નાણામંત્રી શાફાનને તથા પોતાના ચાકર અસાયાને આજ્ઞા કરી, 13 “જાઓ અને આ મળેલાં પુસ્તકનાં વચનો વિષે મારા માટે, મારા લોકો માટે અને યહૂદિયા માટે યહોવાહને પૂછો. કેમ કે, આપણા વિષે જે બધું તે પુસ્તકમાં લખેલું છે તે પાળવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ સાંભળ્યું નથી, તે કારણથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.” 14 માટે હિલ્કિયા યાજક, અહિકામ, આખ્બોર, શાફાન તથા અસાયા યાજાકોના* વસ્ત્રભંડારના ઉપરી હાર્હાસના દીકરા તિકવાના દીકરા શાલ્લુમની પત્ની પ્રબોધિકા હુલ્દા પાસે ગયા. તે યરુશાલેમમાં બીજા વિસ્તારમાં રહેતી હતી, તેઓએ તેની સાથે વાત કરી. 15 તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે, “તમને મારી પાસે મોકલનાર માણસને કહો કે, 16 “યહોવાહ એવું કહે છે, “જુઓ, યહૂદિયાના રાજાએ આ બધાં વચનો તે પુસ્તકમાં વાંચ્યાં તે પ્રમાણે, હું આ દેશ અને તેના રહેવાસીઓ પર આપત્તિ લાવીશ.
17 કેમ કે, તેઓએ મને તજી દઈને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યું છે. આ બધાં કુકર્મોથી તેઓએ મને ગુસ્સે કર્યો છે, માટે આ જગા પર મારો ગુસ્સો પ્રગટશે અને શાંત થશે નહિ.” 18 પણ યહૂદિયાના રાજા જેણે તને યહોવાહની ઇચ્છા જાણવા મોકલ્યો છે, તેને એમ કહેજે, ઇઝરાયલના ઈશ્વર યહોવાહ તમે સાંભળેલી વાતો વિષે એમ કહે છે કે, 19 હું આ જગા વિષે તથા તેમાંના રહેવાસીઓ વિષે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શ્રાપિત થશે તે સાંભળીને તમારું હૃદય નમ્ર થયું, તું યહોવાહ આગળ દિન થયો, તારાં વસ્રો ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં તારું પણ સાંભળ્યું. આ યહોવાહનું નિવેદન છે.
20 ‘જો, હું તને તારા પિતૃઓ ભેગો મેળવી દઈશ, તું શાંતિમાં પોતાની કબરમાં જશે. જે સઘળી આપત્તિ હું આ દેશ અને તેના રહેવાસીઓ પર લાવીશ, તે તારી આંખો જોશે નહિ.” તેઓ આ ખબર લઈને રાજા પાસે પાછા ગયા.
* 22:14 22:14 રાજાના