15
શરીરના અશુદ્ધ સ્ત્રાવ અંગેના નિયમ
1 યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,
2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે કોઈ માણસને તેના શરીરમાં સ્રાવનો રોગ હોય, ત્યારે તે માણસ અશુદ્ધ ગણાય.
3 તેના સ્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્રાવ સાથે તેનું માંસ વહેતું હોય અથવા તેના સ્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે, તો તે અશુદ્ધ ગણાય.
4 સ્રાવવાળો માણસ જે પથારીમાં સૂએ અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય.
5 જે કોઈ વ્યક્તિ તે માણસની પથારીનો સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
6 જે વસ્તુ પર સ્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે, તે વ્યક્તિએ પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
7 અને સ્રાવવાળા પુરુષના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
8 જો સ્રાવવાળો માણસ કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે, તો તે માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
9 સ્રાવવાળો માણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય.
10 જે કંઈ પણ તેની નીચે આવેલું હોય, તેને સ્પર્શ કરનાર વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય; જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
11 સ્રાવવાળો માણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
12 અશુદ્ધ વ્યક્તિ માટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું અને લાકડાના પ્રત્યેક વાસણને પાણીમાં ધોઈ નાખવું.
13 જ્યારે તે વ્યક્તિ તેના સ્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સાત દિવસ ગણે અને પોતાના વસ્ત્રો ધોઈ નાખે; અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરે. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.
14 તે માણસે આઠમે દિવસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ આવીને યાજકને આપવા.
15 યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે અને બીજાને દહનીયાર્પણને માટે અર્પણ કરીને સ્રાવવાળા માણસની શુદ્ધિ માટે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરે.
16 જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તો તેણે પાણીથી સ્નાન કરવું; સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
17 જે પ્રત્યેક વસ્ત્ર કે ચામડા પર વીર્ય પડ્યું હોય તેને પાણીથી ધોઈ નાખવું. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
18 અને જો કોઈ સ્ત્રીપુરુષનો સંયોગ થયો હોય અને પુરુષને વીર્યસ્રાવ થયો હોય તો તે બન્નેએ પાણીથી સ્નાન કરવું; તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
19 જો કે સ્ત્રીને માસિકસ્રાવ થયો હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
20 તે અશુદ્ધ હોય ત્યારે તે જેના પર સૂતી હોય કે બેઠી હોય તે પણ અશુદ્ધ ગણાય.
21 જે કોઈ માણસ તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું; તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
22 તે સ્ત્રી જેના પર બેઠી હોય તેને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું; તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
23 તે સ્ત્રી જેના પર બેઠી હોય તે આસન અથવા પથારી પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
24 અને જો કોઈ પુરુષ તેની સાથે શારીરિક સંબંધ કરે અને જો તેની અશુદ્ધતા તેને લાગે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય.
25 જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો સ્રાવ ચાલુ રહે, તો તેના સ્રાવના સર્વ દિવસો સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.
26 એ સમય દરમિયાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય.
27 જે કોઈ તે પથારી કે આસનને સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
28 પણ જો તે પોતાના સ્રાવથી શુદ્ધ થાય તો પછી તે પોતાને માટે સાત દિવસ ગણે અને ત્યારબાદ તે શુદ્ધ ગણાય.
29 આઠમે દિવસે તેણે બે હોલાં અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજકને આપવાં.
30 યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણ માટે અને બીજાને દહનીયાર્પણ માટે અર્પિત કરે અને યાજક તેના સ્રાવની અશુદ્ધતા માટે યહોવાહની સમક્ષ પ્રાયશ્ચિત કરે.
31 આ રીતે ઇઝરાયલના લોકોને તેઓની અશુદ્ધતાથી અલગ કરવા કે જેથી મારો જે મંડપ તેઓની મધ્યે છે, તેને અશુદ્ધ કર્યાથી તેઓ માર્યા જાય નહિ.
32 જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.
33 ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવવાળા લોકો માટેના નિયમો ઉપર પ્રમાણે છે.’ ”