4
ઈસુનું પરીક્ષણ
માર્ક 1:12-13; લૂક 4:1-13
પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા. ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’ ”
ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભા રાખ્યા, અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.”
ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’
ફરીથી શેતાન તેમને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યા. અને તેમને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”
10 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’ ”
11 ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.
પ્રભુ ઈસુ ગાલીલમાં પોતાની સેવા શરુ કરે છે
માર્ક 1:14-15; લૂક 4:14-15
12 યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા. 13 પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.
14 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 15 “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ! 16 જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”
17 ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
પ્રથમ શિષ્યોનું તેડું
માર્ક 1:16-20; લૂક 5:1-11
18 ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા. 19 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’ 20 તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.
21 ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તેમણે તેઓને બોલાવ્યા, 22 અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
ઈસુ શીખવે છે, પ્રચાર કરે છે અને સાજાં કરે છે
લૂક 6:17-19
23 ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. 24 ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા. 25 ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.