8
ઈસુ એક માણસને સાજો કરે છે
માર્ક 1:40-45; લૂક 5:12-16
જયારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા. અને જુઓ, એક કુષ્ઠ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.” ત્યારે ઈસુએ પોતાનો હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.
પછી ઈસુએ તેને કહ્યું કે, “જોજે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને બતાવ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાનાં ફરમાવ્યાં પ્રમાણે છે તે ચઢાવ.”
ઈસુ રોમન અમલદારના‍ ચાકરને સાજો કરે છે
લૂક 7:1-10
ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે, “ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “હું આવીને તેને સાજો કરીશ.”
શતપતિએ ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ કોઈનાં અધિકાર હેઠળ છું અને સિપાઈઓ મારે સ્વાધીન છે. એકને હું કહું છું કે, ‘જા’, ને તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ’ અને તે આવે છે; અને મારા દાસને કહું છું કે, ‘એ પ્રમાણે કર’, ને તે કરે છે.” 10 ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
11  હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે અને ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે. 12  પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.” 13 ઈસુએ તે શતપતિને કહ્યું કે, “જા! જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ.” તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.
ઈસુ ઘણાં લોકોને સાજાકરે છે
માર્ક 1:29-34; લૂક 4:38-41
14 ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ. 15 ઈસુ તેના હાથને સ્પર્શ્યા, એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.
16 સાંજ પડી ત્યારે લોકોએ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં. 17 એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા.”
ઈસુને અનુસરવાની ઇચ્છા
લૂક 9:57-62
18 ઈસુએ લોકોની મોટી ભીડ પોતાની આસપાસ એકત્ર થયેલી જોય, ત્યારે તેમણે સરોવરની પેલે પાર જવાની આજ્ઞા કરી. 19 એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું કે, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” 20 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”
21 તેમના શિષ્યોમાંથી બીજાએ તેમને કહ્યું કે, “પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.” 22 પણ ઈસુએ તેને કહ્યું કે, “તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો.”
ઈસુ તોફાનને શાંત કરે છે
માર્ક 4:35-41; લૂક 8:22-25
23 જયારે ઈસુ હોડી પર ચઢ્યાં, ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24 જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. 25 ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ!”
26 પછી ઈસુ તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. 27 ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”
ઈસુ દુષ્ટાત્મા વળગેલા બેને સાજાં કરે છે
માર્ક 5:1-20; લૂક 8:26-39
28 જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલાં બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા; તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું. 29 જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, “ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?”
30 હવે તેઓથી થોડેક દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું. 31 દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, “જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળાંમાં અમને મોકલો.” 32 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જાઓ!’ પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.
33 ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાંઓને શું થયું તે પણ કહ્યું. 34 ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.