10
ચાંદીના બે રણશિંગડાં
1 યહોવાહ મૂસાને કહ્યું કે,
2 “તું પોતાને માટે ચાંદીનાં બે રણશિંગડાં બનાવ અને તે ઘડતર કામના બનાવ. અને તું પ્રજાને બોલાવવાના તથા છાવણીમાંથી ચાલી નીકળવાના કામમાં લે.
3 જે સમયે બન્ને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તમારી સમક્ષ એકત્ર થવું.
4 પરંતુ જો યાજક એક જ રણશિંગડું વગાડે તો આગેવાનો, ઇઝરાયલકુળના મુખ્ય પુરુષો તારી સમક્ષ એકઠા થાય.
5 જ્યારે તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.
6 બીજી વખતે રણશિંગડાં મોટા અવાજે વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે રણશિંગડું મોટા અવાજે વગાડવું.
7 પણ ઇઝરાયલ સમાજને સભા માટે એકત્ર થવા જણાવવું હોય તો રણશિંગડું એકધારું વગાડવું.
8 હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમારે પેઢી દરપેઢી કરવાનો છે.
9 અને જ્યારે તમે પોતાનાં દેશમાં તમારા પર જુલમ કરનારા દુશ્મનો સાથે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. યહોવાહ રણશિંગડાંનો અવાજ સાંભળશે, તમને યાદ કરશે અને તમને તમારા દુશ્મનોથી બચાવશે.
10 વળી, તમારા ઉત્સવો વખતે, તમારા ઠરાવેલ પર્વોએ અને તમારા મહિનાઓના આરંભમાં તમે તમારા દહનીયાર્પણો તેમ જ શાંત્યર્પણો પર રણશિંગડું વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારે માટે સ્મરણાર્થે થશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.”
ઇઝરાયલીઓએ મુકામ ઉપાડયો
11 અને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યોના મંડપ ઉપરથી મેઘ ઊપડ્યો.
12 અને ઇઝરાયલપ્રજાએ સિનાઈના અરણ્યમાંથી પોતાની મુસાફરી શરૂ કરી અને મેઘ પારાનના અરણ્યમાં થોભ્યો.
13 મૂસાને યહોવાહ તરફથી અપાયેલી આજ્ઞા મુજબ તેઓએ પોતાની પ્રથમ યાત્રા શરૂ કરી.
14 અને યહૂદાપુત્રોની પહેલી છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યોનો આગેવાન આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.
15 ઇસ્સાખારના દીકરાઓના કુળના સૈન્યનો આગેવાન સુઆરનો દીકરો નથાનએલ હતો.
16 અને ઝબુલોનના દીકરાઓના કુળનો સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો.
17 ત્યાર પછી મંડપ ઉપાડવામાં આવ્યો એટલે ગેર્શોનના દીકરા તથા મરારીના દીકરાઓ મંડપ ઊંચકીને ચાલી નીકળ્યા.
18 તે પછી, રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઊપરી શદેઉરનો દીકરો અલીસૂર હતો.
19 અને શિમયોનનો દીકરાના કુળના સૈન્યનો ઉપરી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ હતો.
20 અને ગાદના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી દુએલનો દીકરો એલિયાસાફ હતો.
21 અને કહાથીઓ પવિત્રસ્થાનમાંની સાધનસામગ્રી ઊંચકીને ચાલ્યા. તેઓ જઈ પહોંચે તે અગાઉ બીજાઓએ મંડપને ઊભો કર્યો.
22 પછી એફ્રાઇમના દીકરાઓની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી અને તેના સૈન્ય પર આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.
23 અને મનાશ્શાના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ હતો.
24 અને બિન્યામીનના દીકરાના કુળના સૈન્યનો ઉપરી ગિદિયોનીનો દીકરો અબીદાન હતો.
25 પછી દાનના દીકરાઓની છાવણીની ધજા તેમનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. બધી છાવણીઓના સૈન્યમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો.
26 અને આશેરના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી ઓક્રાનનો દીકરા પાગિયેલ હતો.
27 અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો.
28 ઇઝરાયલપ્રજાના સૈન્યોની કૂચનો ક્રમ આ મુજબ હતો. અને તેઓએ કૂચ આરંભી.
29 અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”
30 પણ હોબાબે મૂસાને ઉત્તર આપ્યો કે, “હું તમારી સાથે નહિ આવું. હું તો મારા પોતાના દેશમાં મારાં સગાઓ પાસે જઈશ.”
31 મૂસાએ જવાબ આપ્યો કે, “કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે.
32 અને જો તું અમારી સાથે આવશે તો એમ થશે કે, યહોવાહ અમારું જે કંઈ ભલું કરશે તેમ અમે તમારું ભલું કરીશું.”
લોકો ચાલી નીકળ્યા
33 અને તેઓએ યહોવાહના પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાહનો કરારકોશ તેમને માટે વિશ્રામસ્થાનની જગ્યા શોધવા તેઓની આગળ ચાલ્યો.
34 અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો.
35 અને જ્યારે કરારકોશ ચાલી નીકળતો ત્યારે એમ થતું કે, મૂસા કહેતો, “હે યહોવાહ, તમે ઊઠો અને તમારા શત્રુઓને વેરવિખેર કરી નાખો, અને તમારો તિરસ્કાર કરનારને દૂર કરો.”
36 અને જ્યારે કરારકોશ થોભતો ત્યારે મૂસા કહેતો કે, હે યહોવાહ, ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો.”