23
બલામની પહેલી ભવિષ્યવાણી
1 બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદીઓ બાંધ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર.”
2 જેમ બલામે વિનંતી કરી હતી તેમ બાલાકે કર્યું. બાલાક તથા બલામે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
3 બલામે બાલાકને કહ્યું, “તું “તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે અને હું જાઉ છું. કદાચ યહોવાહ મને મળવા આવશે. તેઓ જે કંઈ મને કહેશે તે હું તને કહીશ.” પછી તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.
4 ઈશ્વર તેને મળ્યા અને બલામે યહોવાહને કહ્યું, “મેં સાત વેદીઓ બાંધી છે અને દરેક પર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું છે.”
5 પછી યહોવાહે બલામના મુખમાં વચન મૂક્યું અને કહ્યું, “તું બાલાક પાસે પાછો જા અને તેને કહે.”
6 બલામ બાલાક પાસે પાછો ગયો. જુઓ તે તથા મોઆબના બધા વડીલો તેના દહનીયાર્પણની પાસે ઊભા હતા.
7 બલામે ભવિષ્યવાણી બોલીને કહ્યું,
“મોઆબનો રાજા પૂર્વના પર્વતોમાંથી
એટલે અરામથી બાલાક મને લાવ્યો છે.
‘તેણે કહ્યું, આવ, મારે માટે યાકૂબને શાપ દે.’
‘આવ, ઇઝરાયલને તુચ્છકાર.’
8 જેને ઈશ્વર શાપ આપતા નથી તેને હું કેવી રીતે શાપ આપું?
યહોવાહ જેને તુચ્છકારતા નથી તેને હું કેવી રીતે તુચ્છકારું?
9 કેમ કે ખડકોના શિખર પરથી હું તેને જોઈ શકું છું;
ટેકરીઓ પરથી હું તેને જોઉં છું.
જુઓ, ત્યાં એકલા રહેનારા લોકો છે
અને પોતાની જાતને સાધારણ પ્રજા ગણતા નથી.
10 યાકૂબની ધૂળને કોણ ગણી શકે
અથવા ઇઝરાયલના ચતુર્થાંશની કોણ ગણતરી કરી શકે?
મારું મૃત્યુ ન્યાયી વ્યક્તિના જેવું થાઓ,
અને મારા જીવનનો અંત પણ તેના જેવો થાઓ!”
11 બાલાકે બલામને કહ્યું, “આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો.”
12 બલામે જવાબ આપીને કહ્યું, “યહોવાહ મારા મુખમાં જે વચન મૂકે તે બોલવાને મારે સંભાળ ન રાખવી?”
બલામની બીજી ભવિષ્યવાણી
13 ત્યાર પછી બાલાકે તેને કહ્યું, “કૃપા કરી મારી સાથે બીજી જગ્યાએ આવ કે જ્યાં તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના નજીકના ભાગને જોઈ શકશે, તેઓ બધાને તું નહિ દેખે. ત્યાંથી તું તેઓને મારા માટે શાપ દે.”
14 તે બલામને પિસ્ગાહ પર્વતની શિખરે આવેલા સોફીમના ખેતરમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી. દરેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
15 બલામે બાલાકને કહ્યું, “અહીં તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે, હું યહોવાહને મળવા ત્યાં ઉપર જાઉ છું.”
16 યહોવાહ બલામને મળવા આવ્યા અને તેના મુખમાં વચન મૂક્યું. તેમણે કહ્યું, “બાલાક પાસે પાછો જા અને મારું વચન તેને આપ.”
17 બલામ તેની પાસે પાછો આવ્યો, તો જુઓ, તે તથા મોઆબના વડીલો તેની સાથે તેના દહનીયાર્પણ પાસે ઊભા હતા. ત્યારે બાલાકે તેને પૂછ્યું, “યહોવાહે તને શું કહ્યું છે?”
18 બલામે તેની ભવિષ્યવાણીની શરૂઆત કરી. તેને કહ્યું,
“બાલાક ઊઠ, અને સાંભળ.
હે સિપ્પોરના દીકરા, મને સાંભળ.
19 ઈશ્વર મનુષ્ય નથી કે તે જૂઠું બોલે,
અથવા માણસ નથી કે તે પોતાનું મન બદલે.
તે પોતાનું વચન પૂરું નહિ કરે?
પોતાનું બોલવું પૂરું નહિ કરે?
20 જુઓ, આશીર્વાદ આપવાની આજ્ઞા મને મળી છે.
ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો છે તે હું ફેરવી શકતો નથી.
21 તેઓએ યાકૂબમાં કઈ જ ખોટું જોયું નથી.
કે ઇઝરાયલમાં મુશ્કેલી જોઈ નથી.
યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સાથે છે,
અને તેઓની વચ્ચે રાજાનો જયજયકાર છે.
22 ઈશ્વર તેઓને મિસરમાંથી બહાર લાવ્યા છે, અને
જંગલી બળદ જેવી તાકાત આપે છે.
23 યાકૂબ વિરુદ્ધ કોઈ મંત્રતંત્ર નહિ ચાલે,
ઇઝરાયલ પર કંઈ પણ મંત્રવિદ્યા ચાલશે નહિ.
ઇઝરાયલ તથા યાકૂબ વિષે કહેવાશે કે,
‘જુઓ ઈશ્વરે કેવું કર્યું છે!’
24 જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે,
જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે.
તે મારેલો શિકાર ખાય અને
તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ.”
બાલામની ત્રીજી ભવિષ્યવાણી
25 પછી બાલાકે બલામને કહ્યું, “તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ.”
26 પણ બલામે બાલાકને જવાબ આપીને કહ્યું, “શું મેં તને કહ્યું ન હતું કે યહોવાહ મને જે કહેશે તે જ હું કહીશ.”
27 બાલાકે બલામને જવાબ આપ્યો, “હવે આવ, હું તને બીજી જગ્યાએ લઈ જાઉં. કદાચ ઈશ્વર પ્રસન્ન થાય અને ત્યાંથી તું તેઓને મારે સારુ શાપ આપે.”
28 બાલાક બલામને પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જ્યાંથી અરણ્ય જોઈ શકાતું હતું.
29 બલામે બાલાકને કહ્યું, “અહીં મારે સારુ સાત વેદી બાંધી આપ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર.”
30 જેમ બલામે કહ્યું તેમ બાલાકે કર્યું, તેણે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.