31
મિદ્યાનીઓ સામે ધર્મયુદ્ધ
1 યહોવાહે મૂસાને કહ્યું,
2 “ઇઝરાયલી લોકોનો બદલો તું મિદ્યાનીઓ પાસેથી લે. તેવું કર્યા પછી તું તારા લોકો સાથે ભળી જઈશ.”
3 તેથી મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક માણસો શસ્ત્રસજજ થઈને યહોવાહ તરફથી મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા મિદ્યાનીઓ ઉપર હુમલો કરો.
4 ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક હજાર સૈનિકોને યુદ્ધમાં મોકલવા.”
5 ઇઝરાયલના હજારો પુરુષોમાંથી પ્રત્યેક કુળમાંથી એક હજાર પુરુષ મુજબ મૂસાએ બાર હજાર પુરુષોને શસ્ત્રસજજ કરીને યુદ્ધને માટે મોકલ્યા.
6 પછી મૂસાએ દરેક કુળમાંથી હજાર પુરુષોને યુદ્ધમાં મોકલ્યા, એલાઝાર યાજકના દીકરા ફીનહાસને પવિત્રસ્થાનનાં પાત્રો તથા યુદ્ધનાદ કરવાના રણશિંગડાં લઈને યુદ્ધમાં મોકલ્યો.
7 યહોવાહે જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ મિદ્યાનીઓ વિરુદ્ધ લડાઈ કરી. તેઓએ તમામ માણસોને મારી નાખ્યા.
8 યુદ્ધમાં માર્યા ગયેલા ઉપરાંત તેઓએ મિદ્યાનીઓના રાજા અવી, રેકેમ, સૂર, હૂર તથા રેબા એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બેઓરના દીકરા બલામને પણ તલવારથી મારી નાખ્યો.
9 ઇઝરાયલના સૈન્યએ મિદ્યાની સ્ત્રીઓને તથા તેઓનાં બાળકોને કેદ કરી લીધાં, તેઓનાં ઘેટાંબકરાં સહિત તમામ જાનવરોને તથા તેઓના બધા સરસામાનને લૂંટી લીધાં. આ બધું તેઓએ લૂંટ તરીકે આંચકી લીધું.
10 જ્યાં તેઓ રહેતા હતા તે બધાં નગરોને તથા તેઓની બધી છાવણીઓને તેઓએ બાળી નાખ્યાં.
11 તેઓએ કેદીઓ એટલે માણસ તથા પશુઓ બન્નેની લૂંટફાટ લીધી.
12 તેઓ કેદીઓને તથા લૂંટ કરેલી વસ્તુઓને મૂસા, એલાઝાર યાજક તથા ઇઝરાયલ લોકોની જમાત પાસે લાવ્યા. આ બધું તેઓ મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કિનારે આવેલી છાવણીમાં લાવ્યા.
ઇઝરાયલનું લશ્કર જીતીને પાછું ફર્યું
13 મૂસા, એલાઝાર યાજક તથા જમાતના આગેવાનો તેઓને મળવા માટે છાવણી બહાર આવ્યા.
14 પણ મૂસા સૈન્યના અધિકારી, સહસ્રાધિપતિ તથા શતાધિપતિ જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર ગુસ્સે હતો.
15 મૂસાએ તેઓને કહ્યું, “શું તમે બધી સ્ત્રીઓને જીવતી રહેવા દીધી છે?
16 જુઓ, આ સ્ત્રીઓએ બલામની સલાહથી ઇઝરાયલી લોકો પાસે, પેઓરની બાબતમાં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું, તેથી યહોવાહની જમાત મધ્યે મરકી ચાલી.
17 તો હવે, બાળકો મધ્યેથી દરેક પુરુષને મારી નાખો, દરેક સ્ત્રી જે પુરુષ સાથે સૂઈ ગઈ હોય તેને મારી નાખો.
18 પણ તમારા માટે દરેક જુવાન કન્યાઓ લો જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ના હોય.
19 તમે સાત દિવસ સુધી છાવણીની બહાર એટલે ઇઝરાયલની છાવણીની બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈને મારી નાખ્યો હોય કે કોઈએ મરણ પામેલાનો સ્પર્શ કર્યો હોય, ત્રીજા દિવસે તથા સાતમા દિવસે તું તથા તારા કેદીઓ પોતાને શુદ્ધ કરો.
20 તમારાં બધાં વસ્ત્ર, ચામડાની તથા બકરાના વાળથી બનેલી દરેક વસ્તુ તથા લાકડાની બનાવેલી દરેક વસ્તુથી પોતાને શુદ્ધ કરો.”
21 જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, “યહોવાહે મૂસાને જે નિયમ આપ્યો તે આ છે:
22 સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું,
23 જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો.
24 અને સાતમા દિવસે તમે તમારા વસ્ત્રો ધોઈ નાખો, ત્યાર પછી તમે શુદ્ધ થશો. ત્યાર પછી તમે ઇઝરાયલની છાવણીમાં પાછા આવો.”
લૂટની વહેંચણી
25 યહોવાહે મૂસાને કહ્યું,
26 “તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો.
27 લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો.
28 જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં.
29 તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો.
30 ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો.”
31 તેથી યહોવાહે આજ્ઞા કરી હતી તે પ્રમાણે મૂસાએ તથા યાજક એલાઝારે કર્યું.
32 સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
33 બોતેર હજાર બળદો,
34 એકસઠ હજાર ગધેડાં,
35 બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
36 યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
37 ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
38 છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
39 ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
40 જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.
41 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું.
42 ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે,
43 જમાતનો અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ઘેટાં,
44 છત્રીસ હજાર બળદો,
45 ત્રીસ હજાર પાંચસો ગધેડાં,
46 સોળ હજાર માણસો હતાં.
47 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.
48 પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા.
49 તેઓએ મૂસાને કહ્યું, “જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી.
50 અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ.”
51 મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં.
52 ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું.
53 દરેક સૈનિકે પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી.
54 મૂસા તથા એલાઝાર યાજક સહસ્રાધિપતિ તથા શતાધિપતિઓ પાસેથી સોનું લઈને યહોવાહ માટે ઇઝરાયલ લોકોના સ્મરણાર્થે મુલાકાતમંડપમાં લાવ્યા.