30
આગૂરનાં વચનો
1 યાકેના દીકરા આગૂરનાં વચનો છે, જે ઈશ્વરવાણી છે:
કોઈ માણસ ઇથિયેલને, ઇથિયેલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે:
2 નિશ્ચે હું કોઈ પણ માણસ કરતાં અધિક પશુવત છું
અને મારામાં માણસ જેવી બુદ્ધિ નથી.
3 હું ડહાપણ શીખ્યો નથી
કે નથી મારામાં પવિત્ર ઈશ્વરનું ડહાપણ.
4 આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે?
કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે?
કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે?
પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે?
જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે?
5 ઈશ્વરનું દરેક વચન પરખેલું છે,
જેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે તેઓના માટે તે ઢાલ છે.
6 તેમનાં વચનોમાં તું કશો ઉમેરો કરીશ નહિ,
નહિ તો તે તને ઠપકો આપશે અને તું જૂઠો પુરવાર થઈશ.
અન્ય નીતિવચનો
7 હું તમારી પાસે બે વરદાન માગું છું,
મારા મૃત્યુ અગાઉ મને તેની ના પાડશો નહિ.
8 અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજો,
મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપશો;
મને જરૂર જેટલી રોટલી આપજો.
9 નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, “ઈશ્વર તે વળી કોણ છે?”
અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું
અને મારા ઈશ્વરના નામની નિંદા કરું.
10 નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર
રખેને તે તને શાપ આપે અને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.
11 એવી પણ એક પેઢી છે કે જે પોતાનાં પિતાને શાપ આપે છે
અને પોતાની માતાને આશીર્વાદ આપતી નથી.
12 એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે,
પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.
13 એવી પણ એક પેઢી છે કે જેના ઘમંડનો પાર નથી
અને તેનાં પોપચાં ઊંચા કરેલાં છે.
14 એવી પણ એક પેઢી છે કે જેના દાંત તલવાર જેવા અને તેની દાઢો ચપ્પુ જેવી છે;
એ પેઢીના લોકો પૃથ્વી પરથી કંગાલોને અને માનવજાતમાંથી જરૂરિયાતમંદોને ખાઈ જાય છે.
15 જળોને બે દીકરીઓ છે, તેઓ પોકારીને કહે છે, “આપો અને આપો.”
કદી તૃપ્ત થતાં નથી એવી ત્રણ બાબતો છે,
“બસ,” એમ ન કહેનાર એવી ચાર બાબતો છે.
16 એટલે શેઓલ; નિઃસંતાન મહિલાનું ગર્ભસ્થાન;
પાણીથી તૃપ્ત નહિ થતી જમીન;
અને કદી “બસ” ના કહેનાર અગ્નિ.
17 જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે
અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે,
તેને ખીણના કાગડા કોચી કાઢશે
અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે.
18 ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી,
અરે, ચાર બાબતો હું જાણતો નથી.
19 આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન;
ખડક ઉપર સરકતા સાપની ચાલ;
ભરસમુદ્રમાં વહાણનો માર્ગ;
અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.
20 વ્યભિચારી સ્ત્રીની રીત આવી હોય છે -
તે ખાય છે અને પોતાનું મુખ લૂછી નાખે છે
અને કહે છે કે, “મેં કશું ખોટું કર્યું નથી.”
21 ત્રણ વસ્તુઓથી પૃથ્વી કાંપે છે,
અરે, ચાર બાબતોને તે સહન કરી શકતી નથી.
22 રાજગાદીએ બેઠેલો ગુલામ;
અન્નથી તૃપ્ત થયેલો મૂર્ખ;
23 લગ્ન કરેલી દાસી;
અને પોતાની શેઠાણીની જગ્યાએ આવેલી દાસી.
24 પૃથ્વી પર ચાર વસ્તુ નાની છે,
પણ તે અત્યંત શાણી છે:
25 કીડી કંઈ બળવાન પ્રજા નથી,
પણ તેઓ ઉનાળાંમાં પોતાનો ખોરાક ભેગો કરે છે;
26 ખડકમાં રહેતાં સસલાં નિર્બળ પ્રજા છે,
તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે.
27 તીડોનો કોઈ રાજા હોતો નથી,
પણ તેઓ બધાં ટોળાબંધ નીકળે છે;
28 ગરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો છે,
છતાં તે રાજાઓના મહેલમાં પણ હરેફરે છે.
29 ત્રણ પ્રાણીઓનાં પગલાં રુઆબદાર હોય છે,
અરે, ચારની ચાલ દમામદાર હોય છે:
30 એટલે સિંહ, જે પશુઓમાં સૌથી બળવાન છે
અને કોઈને લીધે પોતાનો માર્ગ બદલતો નથી;
31 વળી શિકારી કૂકડો; તથા બકરો;
તેમ જ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઈ શકાય નહિ.
32 જો તેં ગર્વ કરવાની બેવકૂફી કરી હોય
અથવા કોઈ ખોટો વિચાર તેં કર્યો હોય,
તો તારો હાથ તારા મુખ પર મૂક.
33 કારણ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે
અને નાક મચડ્યાથી લોહી નીકળે છે,
તેમ જ ક્રોધને છંછેડવાથી ઝઘડો ઊભો થાય છે.