139
સર્વત્ર ઈશ્વરની પ્રેમભરી સંભાળ
મુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત.
હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો;
તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો;
તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની
બધી વાતો પૂરેપૂરી જાણો છો.
તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે
અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.
આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે;
તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?
જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો;
જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો.
જો હું પરોઢિયાની પાંખો લઈને
સમુદ્રને પેલે પાર જઈને વસું,
10 તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે
તમારો જમણો હાથ મને પકડી રાખશે.
11 જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે
અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;”
12 અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી.
રાત દિવસની જેમ પ્રકાશે છે,
કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે.
13 તમે મારું અંતઃકરણ ઘડ્યું છે;
મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે.
14 હું તમારો આભાર માનીશ,
કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે.
તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.
15 જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો,
જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો,
ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું.
16 ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે;
મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ,
તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
17 હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે!
તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
18 જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય.
જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
19 હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો;
હે ખૂની માણસો* મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે;
તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
21 હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
23 હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો;
મને પારખો અને મારા વિચારો જાણી લો.
24 જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો
અને મને સનાતન માર્ગમાં ચલાવજો.
* 139:19 હિંસક માણસો