4
બોઆઝ રૂથ સાથે લગ્ન કરે છે
હવે બોઆઝ દરવાજા સુધી ગયો અને ત્યાં બેઠો. થોડી જ વારમાં, જે છોડાવનાર સંબંધી વિષે બોઆઝે વાત કરી હતી તે ત્યાં આવ્યો. બોઆઝે તેને કહ્યું, “અહીં આવીને બેસ.” અને તે ત્યાં આવીને બેઠો. અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસો બોલાવીને કહ્યું, “અહીંયાં બેસો.” અને તેઓ બેઠા.
ત્યારે તેણે પેલા નજીકના સંબંધીને કહ્યું કે, “નાઓમી, જે મોઆબ દેશમાંથી પાછી આવી છે, તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચી રહી છે. તેથી મેં વિચાર્યું કે તને જાણ કરું; સાંભળ ‘અહિયાં બેઠેલા છે તેઓ તથા મારા લોકોના વડીલોની સમક્ષ, તું તે ખરીદી લે. ‘જો તે છોડાવવાની તારી ઇચ્છા હોય, તો છોડાવી લે. પણ જો તે છોડાવવાની તારી મરજી ના હોય તો પછી મને કહે, કે જેથી મને ખ્યાલ આવે, કેમ કે તે છોડાવવાનો સૌથી પ્રથમ હક તારો છે. તારા પછી હું તેનો હકદાર છું.” ત્યારે તેણે જણાવ્યું કે, “હું તે છોડાવીશ.”
પછી બોઆઝે કહ્યું કે, “નાઓમીની પાસેથી એ ખેતર જે દિવસે તું ખરીદે, તે જ દિવસે તારે મૃત્યુ પામેલા માહલોનની પત્ની, મોઆબી રૂથની સાથે લગ્ન કરવું પડશે જેથી કરીને તેના વારસા પર તું મરનારનું નામ ઊભું કરે.” ત્યારે નજીકના સંબંધીએ કહ્યું કે, “મારા પોતાના ઉત્તરાધિકારીને હાનિ કર્યા સિવાય હું મારા માટે તે છોડાવી શકાશે નહિ. તેથી હવે તે જમીન છોડાવવાં માટે તું હકદાર થા; કેમ કે મારાથી તે છોડાવી શકાય તેમ નથી.”
હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી. તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તે ખરીદી લે. “અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.
બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, “આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખની, કિલ્યોનની તથા માહલોનની જે સંપત્તિ હતી તે બધી મેં નાઓમી પાસેથી ખરીદી છે. 10 વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો.”
11 દરવાજા આગળ જે લોકો તથા વડીલો હતા તેઓ બધાએ કહ્યું, “અમે સાક્ષીઓ છીએ. ઈશ્વર એવું કરે કે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે, રાહેલ તથા લેઆ એ બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું*, તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ અને બેથલેહેમમાં માનપાત્ર થા. 12 આ જુવાન સ્ત્રીથી ઈશ્વર તને જે સંતાન આપશે, તેથી તારું ઘર યહૂદિયાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાઓ.”
બોઆઝ અને તેનાં વંશજો
13 બોઆઝે રૂથની સાથે લગ્ન કર્યા. તે તેની પત્ની થઈ. ઈશ્વરની કૃપાથી તે સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. 14 સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, ‘ઈશ્વરનો આભાર હો અને તેમનું નામ ઇઝરાયલમાં પ્રસિદ્ધ થાઓ, તેમણે તને નજીકના સંબંધી વગરની રહેવા દીધી નથી. 15 તે તારા જીવનમાં ફરીથી આનંદ ઉપજાવશે અને વૃદ્ધાવસ્થામાં તારું જતન કરશે; કેમ કે તારી પુત્રવધૂ જે તને પ્રેમ કરે છે, જે તને સાત દીકરાઓ કરતાં પણ વિશેષ છે, તેણે દીકરાને જન્મ આપ્યો છે.’ ”
16 નાઓમીએ તે બાળકને પોતાના ખોળામાં સુવાડ્યો અને તેનું જતન કર્યું. 17 અને “નાઓમીને દીકરો જનમ્યો છે” એવું કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.
18 હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો; 19 હેસ્રોન, તે રામનો પિતા હતો, રામ, તે આમ્મીનાદાબનો પિતા હતો, 20 આમ્મીનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો; 21 સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો, 22 ઓબેદ, તે યિશાઈનો પિતા હતો અને યિશાઈ, તે દાઉદનો પિતા હતો.
* 4:11 યહોવાહે તેઓને યાકૂબથી ઘણા સંતાન આપ્યા, ઇઝરાયલ જાતિઓ 4:12 એફ્રાતિઓનો પૂર્વજ