2 શમુએલ
લેખક
2 શમુએલનું પુસ્તક તેના લેખકની માહિતી આપતું નથી. શમુએલ પ્રબોધક મરણ પામ્યો હતો તેથી તે તેનો લેખક હોઇ શકે નથી. મૂળભૂત રીતે, 1 અને 2 શમુએલના પુસ્તકો એક જ પુસ્તક હતું. સેપ્ટ્યુઅજન્ટના અનુવાદકોઓએ (જૂના કરારનો ગ્રીક ભાષામાં અનુવાદ કરનારા 70 અનુવાદકો) તેને બે પુસ્તકમાં વિભાજ્યું હતું. ત્યારથી લઈને પ્રથમ પુસ્તક શાઉલના મૃત્યુ સાથે સમાપ્ત થયું અને બીજું પુસ્તક દાઉદનું રાજ્ય, કેવી રીતે દાઉદને યહૂદાના કુળનો અને બાદમાં સમગ્ર ઇઝરાયલનો રાજા બનાવવામાં આવ્યો હતો તેની સાથે શરૂ થયું.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1050 થી 722 વચ્ચેનો છે.
તેને બાબિલના બંદીવાસ દરમ્યાન પુનર્નિયમ વિષયક ઇતિહાસના ભાગરૂપે લખવામાં આવ્યું હતું.
વાંચકવર્ગ
અમુક રૂપમાં, મૂળભૂત વાંચકવર્ગ દાઉદ અને સુલેમાનના રાજ્યકાળ દરમ્યાન થઈ ગયેલા ઇઝરાયલીઓ તથા તેમની પાછળની પેઢીઓ પણ હશે.
હેતુ
2 શમુએલનું પુસ્તક દાઉદ રાજાના રાજ્યકાળનો અહેવાલ છે. આ પુસ્તક ઈશ્વરે દાઉદ સાથે કરેલા કરારને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકે છે. દાઉદ યરુશાલેમને ઇઝરાયલનું રાજકીય તથા ધાર્મિક કેન્દ્ર બનાવે છે (2 શમુએલ 5:6-12; 6:1-17). યહોવાહનું વચન (2 શમુએલ 7:4-16) અને દાઉદના શબ્દો (2 શમુએલ 23:1-7) બંને ઈશ્વરદત્ત રાજ્યના મહત્ત્વ પર ભાર મૂકે છે. મસીહાના હજાર વર્ષના પ્રભુત્વને પ્રબોધવાણી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે.
મુદ્રાલેખ
એકીકરણ
રૂપરેખા
1. દાઉદના રાજ્યનો ઉદય — 1:1-10:19
2. દાઉદના રાજ્યનો ઉદય — 11:1-20:26
3. પરિશિષ્ટ — 21:1-24:25
1
શાઉલના મૃત્યુના સમાચાર દાઉદને મળે છે
1 શાઉલના મરણ પછી, દાઉદ અમાલેકીઓની કતલ કરીને પાછો આવ્યો. અને સિકલાગ નગરમાં બે દિવસ રહ્યો.
2 ત્રીજે દિવસે, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો તેનાં વસ્ત્રો ફાટેલાં હતાં, માથા પર ધૂળ હતી. તે દાઉદ પાસે આવ્યો. તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
3 દાઉદે તેને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી આવ્યો છું.”
4 દાઉદે તેને પૂછ્યું કે, “કૃપા કરી મને કહે ત્યાં શી બાબતો બની?” તે માણસે ઉત્તર આપ્યો કે, “લોકો લડાઈમાંથી નાસી ગયા છે. ઘણાં લોકો ઘાયલ થયા અને મરણ પામ્યા છે. શાઉલ તથા તેનો દીકરો યોનાથાન પણ મરણ પામ્યા છે.”
5 દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, તેં કેવી રીતે જાણ્યું કે શાઉલ તથા તેનો દીકરો યોનાથાન મરણ પામ્યા છે?”
6 તે જુવાન માણસે કહ્યું કે, “હું અનાયાસે ગિલ્બોઆ પર્વત ઉપર હતો અને ત્યાં શાઉલ પોતાના ભાલા પર ટેકો રાખીને ઊભો હતો. અને રથો તથા સવારો તેની ખૂબ નજીક આવી ગયેલા હતા.
7 શાઉલે આસપાસ નજર કરીને મને જોઈને બોલાવ્યો. મેં ઉત્તર આપ્યો કે, ‘હું આ રહ્યો.’ ”
8 તેણે મને કહ્યું કે, ‘તું કોણ છે?’ મેં તેને ઉત્તર આપ્યો કે, ‘હું એક અમાલેકી છું.’
9 તેણે મને કહ્યું કે, ‘કૃપા કરી મારી પડખે ઊભો રહીને મને પૂરેપૂરો મારી નાખ, કેમ કે મને ભારે પીડા થાય છે અને હજી સુધી મારામાં જીવ છે.’
10 માટે તેની પાસે ઊભા રહીને મેં તેને મારી નાખ્યો, કેમ કે હું જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાનો નથી. તેના માથા પરનો મુગટ તથા તેના હાથ પરના કડાં લઈ લીધાં. તે અહીં તમારી પાસે લાવ્યો છું, મારા માલિક.”
11 પછી દાઉદે પોતાનાં વસ્ત્રો ફાડ્યા અને તેની સાથેના સઘળાં માણસોએ પણ તેમ જ કર્યું.
12 તેઓએ શોક કર્યો, રડ્યા અને સાંજ સુધી શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે, ઈશ્વરના લોકો માટે અને ઇઝરાયલનાં માણસોને માટે ઉપવાસ કર્યો. કેમ કે તેઓ તલવારથી હારી ગયા હતા એટલે માર્યા ગયા.
13 દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું આ દેશમાં એક પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું.”
14 દાઉદે તેને કહ્યું કે, “ઈશ્વરના અભિષિક્તને તારા હાથે મારી નાખતાં તને કેમ બીક લાગી નહિ?”
15 દાઉદે જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે, “તેને મારી નાખ.” તેથી તે માણસે તેના પર ત્રાટકીને નીચે ફેંકી દીધો. અને તે અમાલેકી મરણ પામ્યો.
16 પછી દાઉદે તેને કહ્યું કે, “તેનું લોહી તારે માથે. કેમ કે તેને મુખે જ તેની વિરુદ્ધ સાક્ષી આપી હતી. અને કહ્યું કે, “ઈશ્વરના અભિષિક્તને મેં મારી નાખ્યો છે.”
શાઉલ અને યોનાથાન માટે દાઉદનો વિલાપ
17 પછી દાઉદે શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે વિલાપગીત ગાયું:
18 તેણે લોકોને હુકમ કર્યો કે આ ધનુષ્ય ગીત યહૂદાપુત્રોને શીખવવામાં આવે, જે યાશારના પુસ્તકમાં લખેલું છે.
19 “હે ઇઝરાયલ, તારું ગૌરવ,
તારા પર્વતો પર માર્યું ગયું છે!
યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે!
20 ગાથમાં એ કહેશો નહિ,
આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરશો નહિ,
રખેને પલિસ્તીઓની
દીકરીઓ હરખાય,
અને બેસુન્નતીઓની
દીકરીઓ આનંદ કરે.
21 ગિલ્બોઆના પર્વતો,
તમારા પર ઝાકળ કે વરસાદ ન હોય,
કે અર્પણોનાં ખેતરોમાં અનાજ ન હોય,
કેમ કે ત્યાં યોદ્ધાઓની ઢાલ ભ્રષ્ટ થઈ છે,
શાઉલની ઢાલ હવે જાણે તેલથી અભિષિક્ત થયેલી હોય નહિ એવું છે.
22 જેઓ માર્યા ગયા છે તેઓના લોહી,
બળવાનોનાં શરીરની ચરબીથી
યોનાથાનનું તીર પાછું પડતું ન હતું
શાઉલની તલવાર ઘા કર્યા વગર પાછી પડતી ન હતી.
23 શાઉલ અને યોનાથાન જીવન દરમ્યાન એકબીજા પ્રત્યે પ્રેમ કરતા હતા અને કૃપાળુ હતા,
તેઓના મૃત્યુકાળે તેઓ જુદા ન પડ્યા.
તેઓ ગરુડ કરતાં વધારે વેગવાન હતા,
તેઓ સિંહોથી વધારે બળવાન હતા.
24 અરે ઇઝરાયલની દીકરીઓ, શાઉલને માટે વિલાપ કરો,
જેણે તમને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાવ્યાં,
જેણે સોનાનાં આભૂષણથી તમારાં વસ્ત્રો શણગાર્યા.
25 કેવી રીતે યોદ્ધાઓ યુદ્ધમાં માર્યા ગયા છે!
હે યોનાથાન તું તારા જ પર્વતો પર માર્યો ગયો છે.
26 તારે લીધે મને દુઃખ થાય છે, મારા ભાઈ યોનાથાન.
તું મને બહુ વહાલો હતો.
મારા પર તારો પ્રેમ અદ્દભુત હતો,
સ્ત્રીઓના પ્રેમથી વિશેષ અને અદ્દભુત હતો.
27 યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે,
અને યુદ્ધના શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે!”