15
યરૂશાલેમ-દ્રાક્ષાવેલાનું રૂપક
1 ત્યાર બાદ મને યહોવાની વાણી સંભળાઇ:
2 “હે મનુષ્યના પુત્ર, દ્રાક્ષાવેલાનું લાકડું જંગલમાંની ઝાડની ડાળીના લાકડાં કરતાં કઇ રીતે સારું ગણાય?
3 એના લાકડામાંથી શું કશું બને છે? માણસ એમાંથી એક ખીંટી પણ બનાવી શકે છે, જેના પર કશું લટકાવી શકાય?
4 એને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે તેના બંને છેડા સળગવા લાગે છે અને વચ્ચેનો ભાગ ખાખ થઇ જાય છે. પછી એ શા કામમાં આવે?
5 બળતણ તરીકે વપરાયા અગાઉ પણ તે બિનઉપયોગી હતું, હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે?
6 આથી યહોવા મારા માલિક કહે છે; જેમ મેં દ્રાક્ષાવેલને લાકડા કરતાં વધારે બિનઉપયોગી બનાવ્યું છે, અગ્નિમાં ઇંધણ તરીકે વપરાતા કોઇ પણ લાકડાં કરતા પણ બિન ઉપયોગી, તે પ્રમાણે હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ.
7 હું તેઓની વિરુદ્ધ થઇ જઇશ, તેઓ એક આગમાંથી બચી જશે તોપણ તેઓ બીજી વારની આગમાં બળી મરશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.
8 એ લોકો મને વિશ્વાસઘાતી નીવળ્યા છે, તેઓ મૂર્તિઓની પૂજા કરે છે માટે હું તેઓના દેશને ઉજ્જડ કરી નાખીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.