16
ઇસ્રાએલના તિરસ્કારને પાત્ર કૃત્યો
1 ફરીવાર મને યહોવાની વાણી સંભળાઇ:
2 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું યરૂશાલેમને તેનાં તિરસ્કારને પાત્ર કૃત્યો વિષે કહીં સંભળાવ.
3 તેને કહે કે, ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:’ તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી હતા અને માતા હિત્તી હતી.
4 તું જે દિવસે જન્મી તે દિવસે તારી નાળ કાપનાર કે તને નવડાવનાર કે તને મીઠું ચોળનાર કે તને કપડામાં લપેટનાર કોઇ નહોતું.
5 કોઇને તારામાં સ્હેજ પણ રસ ન હતો; તારા પર દયા કરે અને તારી કાળજી લે તેવું કોઇ નહોતું. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત અને તજાયેલી હતી.
6 “ ‘એવામાં હું ત્યાંથી નીકળ્યો અને મેં તને તારા લોહીમાં તરફડતી જોઇ. તું લોહીમાં ખરડાયેલી હતી ત્યારે મેં તને જીવાડવાનું વિચાર્યું.
7 મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી અને તું મોટી થતી થતી યુવાનીમાં પ્રવેશી. તારાં સ્તન ભરાવદાર થયાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નગ્નાવસ્થામાં હતી.
8 ફરી તારી પાસેથી હું નીકળ્યો ત્યારે મેં તને જોઇ તો તું લગ્ન માટે પુખ્ત ઉંમરની બની ચૂકી હતી. મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી. મેં તને ગંભીર વચન આપ્યું અને તારી સાથે કરાર કર્યો અને તું મારી થઇ.’ ” આ યહોવા મારા માલિકના વચન છે.
9 “ ‘ત્યાર પછી મેં તને પાણીથી નવડાવી અને તારું લોહી ધોઇ નાખ્યું અને મેં તારા શરીર પર જૈતતેલ ચોપડ્યું.
10 વળી મેં તને ભરતકામ કરેલાં વસ્ત્રો તથા ઉત્તમ ચામડાની મોજડી પહેરાવ્યાં. મેં તારે માથે શણનો રૂમાલ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.
11 મેં તને કિંમતી આભૂષણો, બંગડીઓ અને સુંદર નેકલેસ પહેરાવ્યાં.
12 નાકમાં નથ અને કાને કુંડળ પહેરાવ્યાં અને માથે રૂપાળો મુગટ મૂક્યો.
13 સોનાચાંદીના તારા અલંકારો હતાં. શણ, રેશમ અને જરીયાનનાં તારાં વસ્ત્રો હતાં. ઉત્તમોત્તમ લોટ, મધ અને જૈતતેલ તારો ખોરાક હતો. તેથી પહેલા કરતાં પણ તું વધારે સુંદર લાગતી હતી. તું રાણી જેવી રૂપાળી લાગતી હતી અને તું સાચે જ રાણી હતી!
14 તારાં રૂપની સુંદરતાને કારણે તારી ખ્યાતી સર્વ પ્રજાઓમાં પ્રસરી ગઇ હતી. તું સંપૂર્ણ સ્ત્રી લાગતી હતી, કારણ કે મેં તને સર્વ ભેટો આપી હતી.’ ” એમ યહોવા મારા માલિક કહે છે.
15 દેવ કહે છે, “પણ તેં તારા રૂપનો અને તારી કીતિર્નો લાભ લઇને વારાંગનાની જેમ વતીંર્ને જતા આવતા દરેકને તેં પોતાની જાત સોંપી દીધી.
16 તેં તારાં વસ્ત્રોથી ટેકરી ઉપરનાં થાનકોને સજાવ્યાં અને ત્યાં વારાંગનાનો ધંધો શરૂ કર્યો.
17 તેં મારા આપેલાં સોનાચાંદીના અલંકારો લઇ તેમાંથી પુરુષમૂર્તિઓ બનાવડાવી અને તેની સાથે તે વ્યભિચાર કર્યો.
18 તેં મારાં આપેલાં જરીયાન વસ્ત્રો લઇને મૂર્તિઓને પહેરાવ્યાં અને મારું તેલ અને મારો ધૂપ તેમને ચઢાવ્યાં.
19 મેં તને જે ઉત્તમ લોટ, મધ અને તેલ ખાવા આપ્યાં હતાં તે તેમને પ્રસન્ન કરવા ચઢાવી દીધાં.” આ યહોવાના વચન છે.
20 દેવ કહે છે, “વળી મારાથી તને જે પુત્ર-પુત્રીઓ થયાં હતાં તેઓને તેં તારાં દેવોની આગળ બલિદાન તરીકે આપ્યાં. તું વારાંગના હતી એટલું જ શું તારે માટે પૂરતું નહોતું,
21 કે તેં મારાં બાળકોનો વધ કરીને તેઓની મૂર્તિની આગળ બલિદાન કર્યા?
22 તારા વ્યભિચાર અને પાપના આ બધાં વષોર્માં તે કદી વિચાર કર્યો નહિ કે તારા બાળપણમાં તું નગ્ન હતી અને લોહીમાં તરફડતી હતી.”
23 યહોવા મારા માલિક કહે છે, “તેથી તારા બધા ખરાબ કૃત્યોના લીધે તારી પર આફત આવશે, ચૂકાદો આવી ગયો છે,
24 તેં દરેક શેરીને ખૂણેખૂણે પૂજા સ્થાનો અને ધામિર્ક વારાંગનાખંડ બનાવ્યા છે.
25 અને ત્યાં તેં તારાં રૂપને ષ્ટ કર્યું. જતા આવતા સૌને તારી કાયા સમપિર્ત કરીને વારાંગનાવૃત્તિ ચાલુને ચાલુ રાખી.
26 તેં તારા કામાશકત પડોશી મિસરીઓ સાથે વ્યભિચાર કરી તારી વારાંગનાવૃત્તિથી મારો રોષ વહોરી લીધો.
27 અને હવે મેં તારી સામે મારો હાથ ઉગામ્યો છે. મેં તારી ખોરાકી-પોશાકી ઘટાડી નાખી છે અને તારા શત્રુઓના હાથમાં તને સોંપી દેવામાં આવી છે. અરે પલિસ્તીઓની પુત્રીઓ તારી નિર્લજ વર્તણૂંકથી તું શરમાઇ ગઇ છે.
28 આટલાથી પણ તને સંતોષ ન થતાં તેં આશ્શૂરના લોકોની સાથે પણ વ્યભિચાર કર્યો. તેમની સાથે વ્યભિચાર કર્યો છતાંય તું ધરાઇ નહિ.
29 વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાંય તું તૃપ્ત થઇ નહિ.
30 તેથી યહોવા મારા માલિક કહે છે કે, તારું હૃદય કેટલું દુષ્ટ છે કે તું આવાં કામ કર્યા કરે છે. તું સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રી છે.” આ યહોવા મારા માલિકના વચન છે.
31 દેવ કહે છે, “તેં તારી મૂર્તિઓની વેદીઓ તથા વારાંગનાગૃહ દરેક શેરીએ બંધાવ્યા છે. તું વારાંગના કરતાંય ભૂંડી છે. તું બીજી વારાંગનાઓની જેમ પૈસા પણ લેતી નથી.
32 તું તો કુલટા જેવી છે, જે પોતાના પતિને છોડીને પરપુરુષ સાથે સંબંધ બાંધે છે.
33 વારાંગના તો પૈસા લે છે, પણ તું તો તારા બધા પ્રેમીઓને ભેટ આપે છે, તું તો તેમને બધેથી તારી સાથે વ્યભિચાર કરવા લલચાવી લાવવા લાંચ આપે છે.
34 તું બીજી વારાંગનાઓ કરતાં જુદી જ છે. કોઇ તને પૈસા આપતું નથી પણ તું સામેથી તેઓને પૈસા આપે છે. તું સાચે જ જુદા પ્રકારની છે.”
35 તેથી હવે હે વારાંગના, યહોવાના વચન સાંભળ.
36 આ યહોવા મારા માલિકના વચન છે: “તેં વસ્ત્રો ઉતારી નાખી તારા દેહને નગ્ન કરી તારા પ્રેમીઓ અને તારી એ ધૃણાજનક મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં તારા બાળકોનો વધ કરીને એ મૂર્તિઓને ભોગ ધરાવ્યો છે,
37 આથી હું તારો ઉપભોગ કરનાર બધા પ્રેમીઓને-જેઓને તું ચાહતી હતી અને જેઓને તું ધિક્કારતી હતી તે સૌને ભેગા કરીશ. હું તને તેઓની આગળ નગ્ન કરીશ, જેથી તેઓ તારી સર્વ નિર્લજ્જતા જુએ.
38 ખૂની અને વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. કેમકે હું ક્રોધિત અને દ્વેષિત છું.
39 તને અને તારા પ્રેમીઓને હું બીજા અનેક દેશોને સુપ્રત કરીશ કે જે તારો નાશ કરે. તેઓ તારાં વારાંગનાગૃહો અને મૂર્તિઓની વેદીઓને તોડી નાખશે અને તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઇ લેશે અને તને શરમજનક નગ્ન અવસ્થામાં છોડીને ચાલ્યા જશે.
40 તેઓ તારી સામે ટોળું લઇ આવશે અને તને ઇંટાળી કરશે અને તરવારથી તારા ટુકડેટુકડા કરી નાખશે.
41 તેઓ તારાં મકાનો બાળી મૂકશે અને સ્ત્રીઓના ટોળાના દેખતાં તને સજા કરશે. આમ, હું તારી વારાંગનાવૃત્તિનો અંત આણીશ અને તારું પ્રેમીઓને ભેટ આપવાનું બંધ થઇ જશે.
42 ત્યારે મારો રોષ શમી જશે અને તારા ઉપરથી દાઝ ઊતરશે. પછી હું શાંત પડીશ અને તારા પર રોષે ભરાઇશ નહિ.
43 તું તારું બાળપણ ભુલી ગઇ છે અને તારાં કૃત્યોથી તેં મારો રોષ વહોરી લીધો છે તેથી હું તને તારા કૃત્યો માટે સજા કરીશ. શું આ સાચું નથી? કે તું બીજી બધી અધમ વસ્તુઓ ઉપરાંત નિર્લજ વ્યભિચારમાં સંડોવાયેલી હતી?” આ મારા માલિક યહોવાના વચનો છે.
44 “ ‘જેવી મા તેવી દીકરી.’ તે કહેવત સર્વ લોકો તારા માટે વાપરશે.
45 સાચે જ તું તારી માની દીકરી છે. જેણે તેના પતિને અને તેના સંતાનોને ધિક્કાર્યા હતાં. તું તારી બહેનોની સાચી બહેન છે, જેઓએ પોતાનાં પતિને અને સંતાનોને ધિક્કાર્યા હતાં. તમે બધી જ હિત્તી મા અને અમોરી પિતાની પુત્રીઓ છો.
46 સમરૂન તારી મોટી બહેન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી ઉંત્તરે વસે છે. સદોમ તારી નાની બહેન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી દક્ષિણે વસે છે.
47 તેમને પગલે ચાલી તેમનાં જેવા અધમ કૃત્યો કરી તું તૃપ્ત થઇ નથી; થોડી જ વારમાં તું તેમના કરતાં પણ વધારે ખરાબ રીતે વર્તવા લાગી.
48 યહોવા મારા માલિક કહે છે કે, સદોમ અને તેની પુત્રીઓએ કદી જ તારી પુત્રીઓના જેટલી દુષ્ટતા કરી નહોતી એ ખાતરીપૂર્વકની વાત છે.
49 “તારી બહેન સદોમના પાપ આ પ્રમાણે હતાં; અભિમાન, આળસ અને અન્નની પુષ્કળતા. તેથી તેઓ અભિમાની થઇ ગઇ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.
50 તેઓ અભિમાની થઇ ગઇ હતી અને હું જેને ધિક્કારું છું એવા કૃત્યો કરતી હતી; આથી મેં તેમને ધરતી પરથી ભૂંસી નાખી છે, એ તેં જોયું છે.”
51 દેવ કહે છે, “સમરૂને તો તારા કરતાં અડધાં પાપ પણ કર્યા નહોતાં. તેં તારી બહેનો કરતાં એટલા બધાં વધુ અધમ પાપ કર્યા છે કે તારી સરખામણીમાં તો તેઓ સારી લાગે છે.
52 હવે તારે તારાં કૃત્યો માટે શરમાવુ જોઇએ. તારાં પાપ તારી બહેનોના પાપ કરતાં એટલા તો વધારે છે કે તેઓ તારી તુલનામાં નિદોર્ષ લાગે છે. તું તારી બહેનોને પણ નિદોર્ષ કહેવડાવે એવી છે એટલે જરૂર તારે લજ્જિત થઇને ફજેતી વહોરીને ચાલવું પડશે.”
53 દેવ કહે છે, “પરંતુ એક દિવસ આવશે જ્યારે હું સદોમ અને તેની પુત્રીઓની તથા સમરૂન અને તેની પુત્રીઓની આબાદી પાછી આપીશ. વળી એ સાથે, હે યહૂદા, તારી આબાદી પણ હું તને પાછી આપીશ.
54 તેં જે કર્યુ છે તેને કારણે તારે લજ્જિત થઇને નામોશીપૂર્વક ચાલવું પડશે. અને એ જોઇને તારી બહેનોને સાંત્વન મળશે.
55 હા, જરૂર તારી બહેનો સદોમ અને સમરૂન તથા તેઓના સર્વ લોકો પહેલાં હતાં તેવા જ ફરીથી સમૃદ્ધ થશે અને યહૂદા પણ તે દિવસોમાં સમૃદ્ધિ પામશે.
56 “તારા ઘમંડના દિવસોમાં જ્યારે તારી દુષ્ટતા ઉઘાડી પડી નહોતી ત્યારે તું તારી બહેન સદોમની હાંસી નહોતી ઉડાવતી?
57 આજે હવે અરામ અને પલિસ્તી લોકો તારી હાંસી ઉડાવે છે અને તારી આસપાસના બધા જ લોકો તને ધિક્કારે છે.
58 હવે તારે તારા બીભત્સ અને અધમ કૃત્યોનાં પરિણામો ભોગવવાં જ રહ્યાં.” આ મારા માલિક યહોવાના વચન છે.
59 યહોવા મારા માલિક કહે છે, “તારા આચરણ પ્રમાણે જ હું તારી સાથે વર્તાવ કરીશ, કારણ કે તું તારી પ્રતિજ્ઞાઓ ભુલી ગઇ છે, અને તે કરારનો ભંગ કર્યો છે.
60 છતાં હું એ કરાર નહિ ભૂલું; તું જ્યારે જુવાન હતી, ને મેં તારી સાથે જે કરાર કર્યો હતો તેને હું અનુસરીશ. બીજી તરફ હું, તારી સાથે કાયમી કરાર કરીશ.
61 અને ત્યારે તને તારાં કુકમોર્ યાદ આવશે અને તું લજ્જિત થઇશ. જ્યારે તું તારી મોટી અને નાની બહેનોને પાછી લઇ લઇશ, કારણ હું તારી બહેનોને તારી પુત્રીઓ તરીકે પાછી આપનાર છું, જો કે એ તારી સાથેના મારા કરારનો ભાગ નથી.
62 તેથી હું તારી સાથે મારો કરાર ફરીથી સ્થાપન કરીશ અને ત્યારે તું જાણશે કે હું યહોવા છું.
63 જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમની મારી બોલી પણ નહિ શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.