17
ગરૂડનું ષ્ટાંત-દ્રાક્ષના વેલાનું રૂપક
1 યહોવા તરફથી વાણી મને આ પ્રમાણે સંભળાઇ:
2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલી લોકો આગળ એક ઉખાણું રજૂ કર અને તેમને આ બોધકથા કહે:
3 તેઓને જણાવ કે હું યહોવા, તેઓને આ કહું છું;
“ ‘રંગબેરંગી પીંછાથી ઢંકાયેલું વિશાળ કદની પાંખોવાળું
અને લાંબા નહોરોવાળું એક મોટું ગરૂડ ઊડતું ઊડતું લબાનોનના પર્વત પર આવ્યું
અને તેની ઉપરથી એરેજવૃક્ષની ટોચની ડાળી લઇ ગયું.
4 અને વૃક્ષની તે ડાળીને ટોચે રહેલી નવી ડાળો
તેણે તોડી નાખી કનાન દેશ લઇ જઇ વેપારીઓના નગરમાં રોપી.
5 ત્યાર પછી તેણે એક બીજ તે જમીન પરથી લીધું અને નદીકાંઠાની ફળદ્રુપ ભૂમિમાં વાવ્યું,
જ્યાં પાણીનો તોટો નહોતો. અને તેણે તે બીજને પાણી પાયું.
6 વેલો વધવા લાગ્યો અને તે વધીને ઊંચો
ન થયો પણ બધી દિશામાં ફેલાઇ ગયો.
તેની શાખાઓ ઉગી ત્યાં નવા ફણગાં ફૂટયાં
અને તેનાં મૂળ ઊંડા ગયાં.
આખો વેલો ડાળીઓ
અને કૂંપળોમાં ફેલાઇ ગયો.
7 એવામાં બીજો એક મોટો ગરૂડ આવ્યો.
તેની પાંખો વિશાળ હતી.
તેને પુષ્કળ પીછાં હતાં.
પેલા દ્રાક્ષના વેલાએ પોતાનાં મૂળીયાં તેના તરફ વાળ્યાં,
ડાળીઓ તેના તરફ ફેલાવી,
એવી આશાએ કે તે એને જ્યાં ઊગેલો હતો
તે બગીચા કરતા વધારે પાણી પાશે.
8 જો કે આ દ્રાક્ષાવેલો પુષ્કળ પાણીવાળો અને ફળદ્રુપ જમીનમાં રોપેલો હતો.
તેથી પુષ્કળ પાંદડાં અને ફળો તેને લાગે તેમ હતું.
અને તે ઊંચી પ્રકારનો દ્રાક્ષાવેલો બની શકે તેમ હતું.’
9 “તું એમને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે:
આ વેલો ફૂલશેફાલશે ખરો?
પેલો ગરૂડ એને મૂળમાંથી ઉખેડી
નાખી દ્રાક્ષો ઝૂડી નહિ લે?
એ સુકાઇ નહિ જાય? એના બધાં લીલાં
ડાળપાંદડાં ચીમળાઇ નહિ જાય?
એને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વધુ
જોરની કે બળવાન પ્રજાની જરૂર નહિ પડે?
10 એને રોપ્યો છે એ ખરું, પણ એ ફૂલશેફાલશે ખરો?
જ્યારે પૂર્વના પવનો વાશે ત્યારે એ સુકાઇ નહિ જાય?
જે બગીચામાં એ ઊગ્યો છે ત્યાં ને ત્યાં એ ચીમળાઇ નહિ જાય?”
11 ત્યાર બાદ યહોવાની વાણી મને સંભળાઇ:
12 “તું તે બંડખોરોની જમાતને પૂછ; તમને આનો અર્થ સમજાય છે? તું એમને સમજાવ કે બાબિલનો રાજા યરૂશાલેમ આવીને રાજાને અને આગેવાનોને પોતાના નગર બાબિલમાં ઉપાડી ગયો.
13 તેણે રાજાના કુટુંબના એક માણસ સાથે કરાર કર્યો અને તે પાળવાનું તેની પાસે વચન લીધું.
14 એ દેશ પોતાનો તાબેદાર થઇને રહે, બળવો ન કરે, અને સંધિનું પાલન કરે એ માટે એ દેશના મુખ્ય માણસોને બાન તરીકે પકડી ગયો.
15 પણ યહૂદાના રાજાએ તેની સામે બળવો કર્યો અને ઘોડાઓ અને મોટી સેના મેળવવા માટે દૂતોને મિસર મોકલ્યા, એ ફાવશે ખરા? સંધિનો ભંગ કરીને તે સજા વગર છટકી શકશે?”
16 ના! યહોવા કહે છે કે, “હું ખાતરી પૂર્વક કહું છું કે ઇસ્રાએલનો રાજા મૃત્યુ પામશે. જે રાજાએ તેને અધિકાર આપ્યો અને જેના કરારનો ભંગ કર્યો તે રાજાના દેશમાં એટલે બાબિલમાં સિદકિયા મૃત્યુ પામશે.
17 જ્યારે બાબિલનો રાજા યરૂશાલેમની આસપાસ ઘેરો નાખશે અને ઘણાં લોકોની હત્યા કરવા માટે લશ્કરને ઊભું કરશે ત્યારે મિસરનો રાજા ફારુન અને તેનું વિશાળ સૈન્ય ઇસ્રાએલને સહાયરૂપ બની શકશે નહિ.
18 તેણે પોતાની પ્રતિજ્ઞાનો અને કરારનો ભંગ કર્યો છે, જો કે તેણે આ બધું કર્યું છે એટલે તે છટકી શકશે નહિ.”
19 આથી યહોવા મારા માલિક કહે છે: “હું મારા જીવનના સમ ખાઇને કહું છું કે, એણે મારે નામે લીધેલી પ્રતિજ્ઞાનો અને સંધિનો ભંગ કર્યો છે, તેનો બદલો લીધાં વગર હું નહિ છોડું.
20 હું તેના પર મારી જાળ નાખીને તેને પકડી લઇશ અને હું તેને બાબિલમાં લઇ જઇશ અને મારી સાથે વિશ્વાસઘાત કરવા બદલ, હું તેને ન્યાયાલયમાં ઢસડી જઇશ.
21 એનાં ચુનંદા યોદ્ધાઓ યુદ્ધમાં મરી જશે અને બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઇ જશે. ત્યારે તમને ખબર પડશે કે આ હું યહોવા બોલ્યો છું.”
22 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:
“હવે હું પણ એરેજ વૃક્ષની ટોચ પરની કુમળી ડાળી લઇને
તેને ઇસ્રાએલમાં ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.
23 ઇસ્રાએલના ઊંચામાં ઊંચા
પર્વતની ટોચે રોપીશ.
એને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે,
અને એ ભવ્ય એરેજવૃક્ષ બનશે.
તમામ પ્રકારના પંખીઓ એની વિશાળ
શાખાઓની છાયામાં વાસો કરશે.
24 “વનનાં બધા વૃક્ષોને ખબર પડશે કે હું,
યહોવા, ઊંચા વૃક્ષોને નીચાં કરું છું
અને નીચા વૃક્ષોને ઊંચા કરું છું;
લીલાં વૃક્ષને હું સૂકવી નાખું છું
અને સૂકા વૃક્ષને હું ફરી લીલા બનાવું છું,
આ મેં યહોવાએ કહ્યું છે
અને હું તેમ કરીશ.”