8
રાજાનો આદેશ યહૂદીઓની મદદ માટે
1 તે જ દિવસે રાજા અહાશ્વેરોશે રાણી એસ્તેરને યહૂદીઓના શત્રુ હામાનનાં ઘરબાર અને માલમિલકત આપી દીધાં. અને એસ્તેરે મોર્દૃખાય સાથેનો પોતાનો સંબંધ જણાવતાં મોર્દખાયને રાજા સમક્ષ લાવવામાં આવ્યો.
2 રાજાએ હામાન પાસેથી પાછી લીધેલી રાજમુદ્રાવાળી વીંટી આંગળીએથી ઉતારીને મોર્દખાયને આપી, અને એસ્તેરે તેને હામાનનાં ઘરબાર અને માલમિલકત સંભાળવાનું સોંપ્યું.
3 રાણી એસ્તેર ફરીથી એકવાર રાજાના દરબારમાં આવી અને રાજાના પગમાં પડીને આંસુઓ ભરેલી આંખો સાથે અગાગી હામાને યહૂદીઓની વિરૂદ્ધ ઘડેલું કાવતરું રદ કરવા કાલાવાલા કરવા લાગી.
4 પછી રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો, એટલે તે ઊઠીને રાજાની સમક્ષ ઊભી રહી.
5 તેણીએે કહ્યું, “જો રાજાને આ યોગ્ય લાગતું હોય, અને જો તમે મારાથી પ્રસન્ન હોય અને જો રાજાને વિચાર સારો લાગે તો અગાગી હામાને યહૂદીઓનો નાશ કરવાનો જે હુકમ રાજાના સર્વ પ્રાંતોમાં મોકલી આપ્યો છે તેને રદ કરતો આદેશ તમે મોકલી આપો;
6 કારણ, મારા લોકો પર આફત ઊતરે એ જોવાનું હું શી રીતે સહન કરું? હું મારા પોતાના કુટુંબનો નાશ થતો જોઇ હું કેમ સહન કરી શકું?”
7 ત્યારે અહાશ્વેરોશ રાજાએ યહૂદી મોર્દખાય તથા રાણી એસ્તેરને કહ્યું, “મેં હામાનનું ઘર અને મિલકત એસ્તેરને સોંપી છે તથા હામાનને ફાંસી પર લટકાવવામાં આવ્યો છે, કેમ કે તેણે યહૂદીઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
8 રાજાને નામે બહાર પાડવામાં આવેલો અને રાજાના સિક્કાવાળો એક હુકમ કદી રદ થઇ શકતો નથી માટે હવે તું મારે નામે યહૂદીઓને માટે તને સૌથી યોગ્ય લાગે એવી આજ્ઞા બહાર પાડી દે અને રાજમુદ્રાથી તેના પર સિક્કો મારી દે.”
9 આથી ત્રીજા એટલે કે સીવાન મહિનાના, ત્રેવીસમા દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા અને બરાબર મોર્દૃખાયના કહેવા પ્રમાણે યહૂદીઓને લગતો એક હુકમ હિંદુસ્તાનથી તે કૂશ સુધીના એકસો ને સત્તાવીશ પ્રાંતના સૂબાઓ, રાજ્યપાલો, અને અમલદારોને તે પ્રાંતની ભાષાઓમાં અને લિપિમાં, તેમજ યહૂદીઓની ભાષા અને લિપિમાં લખાવવામાં આવ્યો.
10 મોર્દૃખાયે આ હુકમ રાજાના નામે લખાવ્યો અને રાજાની મુદ્રાથી સિક્કો મારીને રાજાની સેવામાં વપરાતા ઝડપી ઘોડાઓ પર સવારી કરતા સંદેશાવાહકો દ્વારા સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા.
11 એ પત્રોમાં તેણે કોઇ પણ શહેરમાં રહેતા યહૂદીઓને સ્વરક્ષણ માટે ભેગા થવાની અને તેમના પર હુમલો થાય તો કોઇ પણ પ્રાંતની કોઇ પણ જાતની સૈનાને મારી નાખવાની, તેમના સ્ત્રી અને બાળકો મારી નાખવાની, તેમનો નાશ કરવાની અને તેમજ તેમને લૂંટી લેવાની છૂટ આપી.
12 આ હુકમ રાજા અહાશ્વેરોશના બધાજ પ્રાંતોમાં એક જ દિવસે એટલે કે બારમા અર્થાત અદાર મહિનાના, તેરમા દિવસે અમલમાં આવવાનો હતો.
13 વળી આ કાનૂનની એક એક નકલ સર્વ પ્રાંતોમાં અને રાજ્યમાં જાહેરાત કરવા માટે મોકલી આપવામાં આવી અને તે એક કાયદો બની ગયો જેના દ્ધારા યહૂદીઓ પોતાના શત્રુઓનો સામનો કરવા અને તેમના પર બદલો લેવા માટે પોતાની જાતને તૈયાર કરી શકે.
14 રાજાની આજ્ઞાથી સંદેશાવાહકો ઝડપી ઘોડાઓ પર સવાર થઇ રવાના થયા. આ કાનૂન રાજધાની સૂસામાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો.
15 જ્યારે મોર્દખાય રાજા પાસેથી નીકળ્યો ત્યારે તેણે સફેદ અને ભૂરા રંગના વસ્રો માથે મોટો સોનાનો મુગટ અને ઝીણા શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેર્યા હતાં. આખા સૂસા શહેરે આનંદથી ઉજવણી કરી.
16 યહૂદીઓએ ખૂબ આનંદ અને ખુશીથી ઉજવણી કરી. રાજાના પ્રાંતોમાં વસતા બાકી રહેલા યહૂદીઓ પોતાના રક્ષણ માટે અને શત્રુઓથી છૂટકારો પામવા માટે સાથે એકઠા થયા. તેઓએ 75,000 શત્રુઓને મારી નાખ્યા પણ તેઓએ કોઇની વસ્તુઓ લૂટી નહિ.
17 જે જે નગર તથા પ્રાંતમાં રાજાનો આદેશ પહોંચ્યો ત્યાં ત્યાં યહૂદીઓમાં આનંદ વ્યાપી ગયો અને હર્ષ પ્રદષિર્ત કરવા માટે તે ઉત્સવનો દિવસ બની રહ્યો અને તેઓએ તે મહાઆનંદપૂર્વક ઊજવ્યો. ઘણાં લોકોએ પોતાને યહૂદી તરીકે ઓળખાવ્યા કારણકે તે લોકો યહૂદીઓથી ડરી ગયા હતા.