11
સંસારનું વિભાજન
1 જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા.
2 લોકો પૂર્વમાંથી આગળ વધ્યા અને શિનઆરના મેદાનમાં આવી પહોચ્યા. અને ત્યાં જ ઠરીઠામ થયા.
3 લોકોએ એક બીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને ભઠ્ઠામાં પકવીએ.” આમ, લોકો પોતાના ઘર બનાવવા માંટે પથ્થરોની જગ્યાએ ઇટોનો ઉપયોગ કરવા લાગ્યા. તથા છોની જગ્યાએ ડામર વાપરવા લાગ્યા.
4 પછી લોકોએ કહ્યું, “ચાલો, આપણે આપણા માંટે એક નગર બનાવીએ અને એક ગગનચુંબી ઇમાંરત ઊભી કરીએ. પછી આપણે લોકો નામના મેળવીશું. જો આપણે લોકો આમ કરીશું તો પૃથ્વી પર કદી વેરવિખેર થઈશું નહિ અને એક જ જગ્યાએ એક સાથે રહીશું.”
5 ગગનચુંબી ઇમાંરત અને નગર જોવા માંટે યહોવા નીચે ઊતરી આવ્યા.
6 યહોવાએ લોકોને આ બધું બાંધતા જોયા. તેથી તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે, અને તેઓની ભાષા પણ એક જ છે. હું જોઉ છું કે, તેમની યોજનાઓ મુજબ કરવા માંટે તેઓ ભેગા થયા છે. આ તો ફકત તેઓ શું કરી શકે છે તેની શરુઆત છે અને હવે તેઓ જે કંઈ કરવા માંગે છે તે કરતાં એમને કોઈ રોકી શકશે નહિ.
7 એટલા માંટે, ચાલો આપણે નીચે જઈએ અને એમની ભાષાને ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજી ન શકે.”
8 આથી યહોવાએ તે લોકોને તે જગ્યાએથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા, અને તે લોકોએ શહેર બાંધવાનું છોડી દીધું.
9 તે એ જગ્યા હતી જયાં યહોવાએ આખી પૃથ્વીની ભાષાને ગૂંચવી નાખી હતી. આથી આ જગ્યાનું નામ બાબિલ પડયું. અને અહીંથી જ યહોવાએ એ લોકોને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા.
શેમના પરિવારની કથા
10 આ શેમના પરિવારની કથા છે. વિનાશક જળપ્રલય પછીના બીજા વષેર્ શેમ જ્યારે 100 વર્ષનો હતો ત્યારે, તેને ત્યાં આર્પાકશાદનો જન્મ થયો હતો. આર્પાકશાદના જન્મ પછી
11 શેમ 500 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્રપુત્રીઓ થયા.
12 આર્પાકશાદ જ્યારે 35 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં શેલાહનો જન્મ થયો.
13 આર્પાકશાદ 403 વર્ષ જીવતો રહ્યો. અને તે અરસામાં તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
14 જયારે શેલાહ 30 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં હેબેરનો જન્મ થયો.
15 હેબેરના જન્મ પછી શેલાહ 403 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
16 જયારે હેબર 34 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં પેલેગનો જન્મ થયો.
17 પેલેગના જન્મ પછી હેબેર 430 વર્ષ જીવતો રહ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
18 જયારે પેલેગ 30 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં “રેઉ” નો જન્મ થયો.
19 રેઉના જન્મ પછી પેલેગ 209 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં હતા.
20 જયારે રેઉ 32 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં સરૂગનો જન્મ થયો.
21 સરૂગના જન્મ પછી રેઉ 207 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
22 જયારે સરૂગ 30 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં નાહોર જન્મ્યો.
23 નાહોરના જન્મ પછી સરૂગ 200 વરસ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
24 જયારે નાહોર 29 વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર “તેરાહ”નો જન્મ થયો.
25 તેરાહના જન્મ પછી નાહોર 119 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
26 જયારે તેરાહ 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાનનો જન્મ થયો.
તેરાહના પરિવારની કથા
27 આ તેરાહના પરિવારની કથા છે. તેરાહને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાન જન્મ્યા હતાં. હારાન લોતનો પિતા હતો.
28 હારાન તેની જન્મભૂમિ કાસ્દીઓના “ઉર” નગરમાં મૃત્યુ પામ્યો. જયારે હારાન મૃત્યુ પામ્યો ત્યારે તેનો પિતા “તેરાહ” જીવતો હતો.
29 ઇબ્રામ અને નાહોર બંન્નેએ લગ્ન કર્યા. ઇબ્રામની પત્નીનું નામ સારાય હતું. અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. મિલ્કાહ હારાનની પુત્રી હતી. હારાનને યિસ્કાહ નામે બીજો એક પુત્ર હતો.
30 સારાય વાંઝણી હતી. એને કોઈ સંતાન નહોતું.
31 તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના “ઉર” નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.
32 તેરાહ 205 વર્ષ જીવ્યો પછી હારાનમાં અવસાન પામ્યો.