12
દેવે ઇબ્રામને બોલાવ્યો
1 યહોવાએ ઇબ્રામને કહ્યું,
“તું તારો દેશ, તારા સગાંસંબંધી,
અને તારા પિતાના પરિવારને છોડી દે
અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ.
હું તને એક મહાન રાષ્ટ બનાવીશ.
હું તારા નામને પ્રસિધ્ધ કરીશ.
લોકો તારા નામ દ્વારા
બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને
હું આશીર્વાદ આપીશ.
પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ.
પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
ઇબ્રામનું કનાન ગમન
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો.
5 ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં.
6 ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.
7 યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”
આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી.
8 તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી.
9 ત્યાંથી ઇબ્રામે ફરી યાત્રાનો આરંભ કર્યો અને નેગેબ તરફ આગળ વધ્યો.
ઇબ્રામ મિસરમાં
10 તે દિવસો દરમ્યાન દેશમાં દુકાળ હતો. વરસાદ પડતો ન હતો અને કોઇ પણ જાતનું અનાજ ઊગતું ન હતું. તેથી ઇબ્રામ જીવતો રહેવા માંટે થોડા સમય માંટે મિસર ગયો.
11 ઇબ્રામે જોયું કે, તેની પત્ની સારાય દેખાવમાં રૂપાળી હતી, તેથી મિસરમાં પ્રવેશ કરતાં પહેલા ઇબ્રામે સારાયને કહ્યું, “હું જાણું છું કે, તું દેખાવમાં બહુ રૂપાળી છે.
12 મિસરના લોકો તને જોશે એટલે કહેશે કે, ‘આ સ્ત્રી તેની પત્ની છે.’ અને પછી મને તેઓ માંરી નાખશે અને તને જીવતી રાખશે કારણકે તેઓ તને મેળવવા ઈચ્છશે.
13 એટલા માંટે તું લોકોને કહેજે કે, તું માંરી બહેન છે તેથી તે લોકો મને માંરશે નહિ. તેઓ માંરા પર દયા કરશે કારણકે તે લોકો સમજશે કે, હું તારો ભાઈ છું. જેથી તારા કારણે એ લોકો માંરી સાથે સારો વ્યવહાર રાખશે. આ રીતે તું માંરો જીવ બચાવી શકીશ.”
14 આ રીતે ઇબ્રામ મિસર પહોંચ્યો. મિસરવાસીઓએ જોયું કે, સારાય એક ખૂબ રૂપાળી સ્ત્રી છે.
15 મિસરના કેટલાક અધિકારીઓએ પણ તેને જોઈ. તે અધિકારીઓ તે સ્ત્રીને ફારુનના ઘરમાં લઈ ગયા. અને તેનાં વખાણ કર્યા કે, તે સ્ત્રી ખૂબ રૂપાળી છે.
16 ફારુન ઇબ્રામ પ્રત્યે દયાળુ હતો કારણ કે તે સારાયનો ભાઈ છે એમ તેણે ભાળ્યું હતું. અને એ સ્ત્રીને કારણે ફારુન ઇબ્રામ સાથે સારું વત્ર્યો અને તેને ઘેટાં, બકરાં, ઢોરઢાંખર, ગધેડાઓ, ગુલામો અને ઊટો આપ્યાં.
17 ફારુને ઇબ્રામની પત્નીને રાખી તેથી યહોવાએ ફારુન અને તેના પરિવારના માંણસો પર ખરાબ બિમાંરીઓ ફેલાવી.
18 તેથી ફારુને ઇબ્રામને બોલાવીને કહ્યું, “તેં માંરી સાથે બહુજ ખોટું કર્યું છે. તેં મને કેમ કહ્યું નહિ કે, સારાય તારી પત્ની છે?
19 તેં એમ શા માંટે કહ્યું કે, ‘એ માંરી બહેન છે?’ મેં એને એટલા માંટે રાખી કે, તે માંરી પત્ની થશે. પરંતુ હવે હું તને તારી પત્ની પાછી આપું છું તેને લઈ જા.”
20 પછી ફારુને પોતાના પુરુષોને આજ્ઞા કરી કે, ઇબ્રામને મિસરની બહાર પહોંચાડી દો. આમ, ઇબ્રામ અને તેની પત્નીએ તે જગ્યા છોડી. અને જે વસ્તુઓ પોતાની હતી તે પોતાની સાથે લઈ ગયા.