2
ઇસ્રાએલે કરેલો યહોવાનો નકાર
1 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરીને આ પ્રમાણે કહ્યુ:
2 “જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર:
“ ‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે,
જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી!
નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી!
તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી.
3 એ દિવસોમાં, હે ઇસ્રાએલ, તું મને સમપિર્ત હતી,
જાણે ફસલની પહેલી ઊપજ.
જે કોઇ તને ખાવા ધાતું તેને સજા થતી,
તેને માથે આફત ઊતરતી.’ ”
આ હું યહોવા બોલું છું.
4 હે યાકૂબના કુટુંબો, ઇસ્રાએલના કુળસમૂહો,
યહોવાની વાણીનો સંદેશો સાંભળો.
5 યહોવા કહે છે,
“તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો
કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા?
તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા
અને પોતે વિસાત વગરના થઇ ગયા.
6 તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે?
જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા
અને અમને રેતી
અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં,
જ્યાં સદાકાળ દુકાળ
અને અંધકાર હોય છે,
જ્યાં નથી કોઇ માણસના
ક્યારેય પગલાં પડ્યાં
કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું”
7 યહોવાએ કહ્યું, “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો,
જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે.
પણ તેમણે તો
તેમાં પ્રવેશ કરતાં
વેંત તેને અશુદ્ધ બનાવ્યો,
મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.
8 “યાજકોએ કદી પૂછયું નથી કે,
‘યહોવા ક્યાં છે?’
શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી,
લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે.
પ્રબોધકોએ બઆલદેવની આરાધના કરી
અને નકાંમા દેવોને ભજવામાં સમય બગાડ્યો.”
9 “આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું-
તેમની અને તેમના વંશજો સામે.
10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ
કે પૂર્વમાં તપાસ કરો.
ધ્યાનથી જુઓ અને વિચાર કરો,
આવું કદી બન્યું છે ખરુ?
11 કોઇ પ્રજાએ કદી દેવોને બદલ્યા છે?
ભલેને એ પછી નામના હોય?
પરંતુ મારા લોકોએ તો પોતાના ગૌરવશાળી
દેવના બદલામાં નકામી મૂર્તિઓને સ્વીકારી છે.
12 “આ જોઇને આઘાત પામો.
ઓ સ્વર્ગ આઘાત પામો,
અને સંપૂર્ણ વિનાશ પામો.”
આ યહોવાની વાણી છે.
13 મારા લોકોએ બે પાપ કર્યા છે;
તેમણે મારો ત્યાગ કર્યો છે,
જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે,
અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા
તેઓએ પોતાને માટે બાંધ્યા છે.
14 “ઇસ્રાએલ શા માટે ગુલામોની પ્રજા બની છે?
શા માટે તેને બંદીવાન બનાવી
દૂર દેશમાં લઇ જવામાં આવી છે?
15 તરૂણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે,
તેઓ ઘુરઘુરાટ કેમ કરે છે?
એની ભૂમિ વેરાન કેમ થઇ ગઇ છે?
એનાં શહેરો બળીને ખાક કેમ થઇ ગયા છે, ઉજ્જડ કેમ છે?
16 અને હજી મેમ્ફિસના અને તાહપન્હેસના મિસરી સૈન્યે તારી ખોપરી તોડી નાખી.
તારું માથું વાઢી નાંખશે.
17 શુ આ સાચું નથી?
કે તું જ આ દશા તારી પર લાવ્યો છે?
તેં આવું તારા યહોવા દેવને છોડી દઇને કયુઁ છે,
જયારે તે તને માર્ગમાં દોરી રહ્યો હતો.
18 અને હવે નીલ નદીનાં પાણી પીવા મિસર જવાનો શો અર્થ છે?
અને ફ્રાંત નદીનાં પાણી પીવા આશ્શૂર જવાનો શો અર્થ છે?
19 તારા પોતાનાંજ દુષ્કૃત્યોના
પરિણામ તું ભોગવશે,
તારા પોતાના જ ધર્મથી વિમુખ
થવાની સજા તું ભોગવી રહ્યો છે,
તારી જાતે જો અને જાણ કે મારાથી,
તારા યહોવા દેવથી મોઢું ફેરવી લેવું
અને મારો ભય રાખ્યા વગર જીવવું એ કેટલું અનિષ્ટ
અને નુકશાનકારક છે.”
આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
20 “હા! ઘણા સમય પહેલા તેં તારી ઝૂંસરી ભાંગી નાખી.
અને દોરડાં જેણે તને તેની સાથે બાંધ્યો હતો તે તોડી નાખ્યા
અને મને કહ્યું કે, ‘હું તારો ગુલામ નહિ થાઉં.’
અને દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે
તે વારાંગનાની જેમ વર્તન કર્યું છે.
21 મેં તો તને ઉત્તમ દ્રાક્ષલત્તા માની,
જાતવાન રોપો માની રોપી હતી,
પણ તું તો ષ્ટ માણસોની આવી
દુષ્ટ પેઢી જેવી કેવી રીતે બની?
22 સાબુ તથા ખારો મોટા પ્રમાણમાં વપરાય તોપણ
તે તમને શુદ્ધ કરી શકશે નહિ,”
યહોવા દેવ કહે છે કે,
“તારા અપરાધોના ડાઘ સદા મારી આંખો સમક્ષ છે.
23 તું કેવી રીતે કહી શકે કે,
‘મેં મારી જાતને ષ્ટ નથી કરી અને, હું બઆલ દેવની પાછળ નથી દોડી?’
પેલા કોતરમાં તું શી રીતે વતીર્ હતી તે યાદ કર,
અને તેં જે કર્યું તે કબૂલ કર.
તું તો ઋતુમાં આવેલી સાંઢણી જેવો છે,
જે ગાંડી થઇને ગમે તેમ દોડે છે.
24 તું રાનમાં ઊછરેલી જંગલી ગધેડી છે,
જે કામાવેશમાં છીંકારા કરતી રણમાં દોડી જાય છે,
વેતરે આવી હોય ત્યારે કોણ એને રોકી શકે?
કોઇ નરે તેની પાછળ કાલાવાલા કરવાની જરૂર નથી.
વેતરે આવતાં એ જાતે આવીને ઊભી રહેશે.
25 જો જે, તારા પગની ખરી ઘસાઇ ન જાય,
જો જે તારે ગળે પાણીનો શોષ ન પડે!
પણ તું કહે છે, ‘એ નહિ સાંભળું
મને અજાણ્યાઓ પ્રત્યે પ્રીતિ છે
અને મારે તેમની પાછળ જ જવું છે.’
26 “જેમ ચોર પકડાય ને ફજેત થાય,
તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો,
તમે બધા જ તમારા રાજાઓ,
આગેવાનો, યાજકો અને પ્રબોધકો,
27 તમે લાકડાંની અને પથ્થરની મૂર્તિઓને કહો છો,
‘તમે અમારાં માબાપ છો.’
તમે મારી તરફ પીઠ ફેરવી છે,
‘મને તમારું મોં સુદ્ધાં બતાવતા નથી.’
પણ આફત આવે છે
ત્યારે મને હાંક મારો છો,
‘યહોવા આવો, અમને બચાવો!’
28 તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી?
જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે.
હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે
તેટલાં દેવોની મૂર્તિઓ છે.”
29 યહોવા કહે છે, “મારી વિરુદ્ધ તમે શા માટે ફરિયાદ કરો છો?
મારી સામે તો તમારા માંના બધાએ બળવો કર્યો છે.
30 મેં તમારા બાળકોને માર્યા કે તમને સજા થાય
પણ તે વ્યર્થ ગયું.
તમારામાં કોઇ સુધારો થયો નથી.
તમારી જ તરવાર ભૂખ્યા સિંહની જેમ
તમારા પ્રબોધકોને ભરખી ગઇ.”
31 હે મારા લોકો, તમે તે કેવા છો?
મારી વાત ધ્યાનથી સાંભળો!
“શું હું તમારા માટે વેરાન વગડા જેવો
કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો!
મારા લોકો શા માટે કહે છે કે ‘અમે સ્વતંત્ર થયા છીએ;
હવે અમે તેમની સાથે
કોઇ સંબંધ રાખવા માંગતા નથી?’
32 શું કોઇ કન્યા કદી પોતાનાં ઘરેણાં ભૂલે?
કોઇ નવવધૂ પોતાના કમરપટા ભૂલે?
તેમ છતાં હે મારી પ્રજા,
ગણ્યા ગણાય નહિ એટલા દિવસોથી તું મને ભૂલી ગઇ છે.
33 “પ્રેમીઓની પાછળ અભિસારે શી રીતે જવું એ તને બરાબર આવડે છે.
તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું શીખવી શકે તેમ છે!
34 તારા વસ્ત્રોનો પાલવ લોહીથી ખરડાયેલો છે, નિદોર્ષ ગરીબોના લોહીથી!
તે કંઇ એ લોકોને તારા ઘરમાં ખાતર પાડતાં પકડ્યા નહોતા.
35 ને છતાં તું કહે છે, ‘દેવ રોષે ભરાય તેવું કોઇ કૃત્ય મેં કર્યું નથી.
મને ખાતરી છે તે ગુસ્સે થયા નથી.’
તું કહે છે, ‘મેં પાપ નથી કર્યું’,
માટે હું તને આકરી શિક્ષા કરીશ.
36 તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે?
જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે
તેમ મિસર પણ તમને નીચા પાડશે.
37 તેથી તું પણ મિસરની બહાર તારો હાથ
તારે માથે મુકીને આવીશ કારણ કે
મેં તેઓનો અસ્વીકાર કર્યો છે જેના પર
તે વિશ્વાસ મૂક્યો હતો.
તેથી, તેઓ તારું ભલું નહીં કરી શકે.”