32
જમીન ખરીદવા પાછળનો સંકેત
1 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના દશમાં વર્ષમાં, નબૂખાદનેસ્સારના અઢારમાં વર્ષમાં યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ.
2 તે વખતે બાબિલના રાજાની સૈના યરૂશાલેમને ઘેરો ઘાલીને પડી હતી અને પ્રબોધક યમિર્યા યહૂદિયાના રાજમહેલના રક્ષકઘરના ચોકમાં કેદમાં પડેલો હતો;
3 સિદકિયા રાજાએ યમિર્યાને કેદ કર્યો હતો, કારણ કે તેણે ભવિષ્યવચન કહેવાનું સતત ચાલું રાખ્યું હતું કે, “ ‘બાબિલનો રાજા નગરને જીતી લેશે.
4 અને રાજા સિદકિયા બચવા નહિ પામે, તેને ચોક્કસપણે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, તે તેને રૂબરૂ મળશે અને તેની સાથે વાત કરશે.
5 તે સિદકિયાને બાબિલ લઇ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. તમે બાબિલવાસીઓ સામે લડશો તો યે વિજય નહિ પામો!’ ” આ તો યહોવાનું વચન છે.
6 પછી યહોવાનો આ સંદેશો યમિર્યા પાસે આવ્યો:
7 “તારા કાકા શાલ્લૂમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને તને કહેશે કે, ‘અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે, કારણ નજીકના સગા તરીકે તારો એ હક્ક છે.’
8 “અને યહોવાના કહ્યા પ્રમાણે મારો પિતરાઇ ભાઇ હનામએલ રક્ષકઘરમાં ચોકમાં મારી પાસે આવ્યો અને બોલ્યો, ‘બિન્યામીનના કુળસમુહના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કારણ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે.’ ”
તે તારે પોતાને માટે વેચાતું લે, ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે.
9 તેથી 17 શેકેલ ચાંદી ચૂકવીને મેં હનામએલ પાસેથી તે ખેતર વેચાતું લીધું.
10 મેં વેચાણખત કરી તેના પર સહીસિક્કા અને સાક્ષી કરાવી અને કાંટા પર કિંમત ચૂકવી દીધી.
11 ત્યાર પછી મેઁ મહોર મારેલું બંધ ખરીદખત લીધું જે નિયમો અને શરતો ધરાવતું હતું અને તેની એક ઉઘાડી પ્રત પણ લીધી.
12 અને જાહેરમાં મારા પિતરાઇ ભાઇ હનામએલ, વેચાણખત પર સહી કરનારા સાક્ષીઓની અને રક્ષકઘરના ચોકમાં તે વખતે હાજર હતા તે બધા યહૂદીઓની સાક્ષીમાં નેરિયાના પુત્ર માઅસેયાના પૌત્ર બારૂખના હાથમાં સુપ્રત કરી.
13 તેમનાં દેખતા જ મેં બારૂખને આ પ્રમાણે સૂચના આપી:
14 “આ બન્ને દસ્તાવેજ, મહોર મારેલું બંધ ખરીદખત અને તેની ઉઘાડી પ્રત લઇ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂકજે.
15 કારણ કે ઇસ્રાએલના સૈન્યોનો દેવ યહોવાએ કહ્યું છે કે, ‘લોકો આ દેશમાં ફરીથી ઘરો, ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ ખરીદશે.’ ”
16 દસ્તાવેજી નકલ બારૂખને આપ્યા પછી મેં પ્રાર્થના કરી:
17 “હે સૈન્યોનો દેવ યહોવા, તમેં તમારી પ્રચંડ શકિતથી આકાશ અને પૃથ્વી ર્સજ્યા છે. તમારે માટે કશું અશકય નથી.
18 હજારો પ્રત્યે તું કરૂણા બતાવે છે, પણ પૂર્વજોનાં પાપની સજા તેમનાં સંતાનોને કરે છે. તું મહાન અને બળવાન છે. તારું નામ સૈન્યોનો દેવ યહોવા છે.
19 તારી યોજના મહાન છે, તારાં કાર્યો પ્રચંડ છે, તારી આંખો માણસોનું બધું જ હલનચલન જુએ છે, અને તું દરેકને તેનાં કાર્યોને અનુરૂપ બદલો આપે છે.
20 તેં મિસરમાં ચમત્કારો અને અદભૂત કાર્યો કરી નામના મેળવી હતી અને ઇસ્રાએલમાં અને બીજી પ્રજાઓમાં આજ સુધી તું એમ કરતો રહ્યો છે.
21 મહાન ચમત્કારો અને મહાપરાક્રમ દર્શાવીને તથા શત્રુને ભયભીત કરીને તમે ઇસ્રાએલને મિસરની બહાર લઇ આવ્યા હતા.
22 “ત્યારબાદ તેમના પિતૃઓને વચન આપ્યા પ્રમાણે તેં આ ભૂમિ જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેમને આપી હતી.
23 તેમણે આવીને એનો કબજો લીધો. પણ તેમણે તારું કહ્યું ન કર્યું કે, ન તારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ. તેમણે તારી બધી સૂચનાઓની અવગણના કરી અને તેથી તે આ બધી આફત તેમની પર ઉતારી.
24 “શત્રુએ નગરનાં સામે મજબૂત મોરચાઓ બાંધ્યા છે. બાબિલનું સૈન્ય તરવાર વડે તથા નગરમાં પ્રવર્તતા દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેશે. તમે કહ્યું હતું અને તમે નક્કી કર્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તમારી જાતે જોઇ શકો છો.
25 “અને છતાં, સૈન્યોનો દેવ યહોવા મારા પ્રભુ, તેં મને આજ્ઞા કરી કે, સાક્ષીઓના દેખતાં પૈસા ચૂકવીને ખેતર ખરીદી લે; જો કે શહેર તો અત્યારે બાબિલ વાસીઓના હાથમાં જઇ રહ્યું છે.”
26 પછી યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ;
27 “હું, યહોવા, માનવ માત્રનો દેવ છું, શું મારા માટે કાઇં અશક્ય હોઇ શકે ખરું?”
28 તેથી આ યહોવા કહે છે, “જુઓ, હું આ નગર નબૂખાદનેસ્સારને સોપી રહ્યો છું.
29 જે ખાલદીઓ લડી રહ્યાં છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. તે તેમના ઘરની સાથે સળગાવી દેશે, જેના છાપરા પર બઆલ દેવના બલિદાન અર્પણો અને બીજા દેવોને ધરેલા પેયાર્પણો હતા. આ બાબતે મને ખૂબ ક્રોધિત કરી દીધો.
30 હા ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના પ્રારંભથી જ મારી નજરમાં અયોગ્ય ગણાય એવાં કાર્યો કર્યા છે, અને પોતાના એ કાર્યોથી મારો રોષ વહોરી લીધો છે.
31 આ નગર બાંધવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી તેઓએ હું ક્રોધિત થાઉં તેવા જ કાર્યો કર્યા છે. તેથી તેઓને દૂર કરવાનો મેં નિરધાર કર્યો છે.
32 ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોએ તથા તેમના રાજાઓ યાજકો અને પ્રબોધકોએ અને યહૂદિયાના માણસો અને યરૂશાલેમના લોકોએ દુષ્કૃત્યો કર્યા છે, અને તેને કારણે હું એને મારી નજર આગળથી દૂર કરવા માંગુ છું.
33 “તેમણે મારા તરફ મોઢું નહિ, પીઠ ફેરવી છે, અને જો કે હું તેમને સતત ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓ સાંભળતા નથી કે શીખતા નથી.
34 તેઓએ મારા પોતાના મંદિરમાં તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓની પૂજા કરીને તેને પણ અપવિત્ર કર્યું છે.
35 “તેમણે હિન્નોમની ખીણમાં બઆલ દેવ માટે ઉચ્ચસ્થાનકો બાંધ્યા છે. ત્યાં તેઓએ મોલેખની સામે પોતાનાં સંતાનોને અગ્નિમાં હોમીને બલિદાન આપ્યાં છે. મેં એવી સૂચના તેઓને કદી આપી જ નથી. તેઓ આવા ધૃણાજનક કાર્ય કરશે અને યહૂદિયાના લોકોને પાપમાં નાખશે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી.
36 “તેથી હવે ઇસ્રાએલના દેવ યહોવા આ નગર વિષે કહે છે કે ‘તેને તરવાર, દુકાળ અને મરકી દ્વારા બાબિલના રાજાના હાથમાં સુપ્રત કરવામાં આવશે.’
37 ‘મારા પુણ્યપ્રકોપ અને ભયંકર રોષને લીધે એ લોકોને મેં જે જે દેશોમાં વેરવિખેર કરી નાખેલા છે, ત્યાંથી એમને પાછા એકત્ર કરીશ, આ જગ્યાએ પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ.
38 તેઓ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ.
39 હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે.
40 “ ‘હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય.
41 એમનું કલ્યાણ કરવામાં મને આનંદ આવશે અને હું તેમને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સુસ્થાપિત કરીશ.’ ”
42 હા, આ યહોવા કહે છે, “જેમ તેઓ પર આ બધા દુ:ખ અને સમસ્યાઓ હું લાવ્યો હતો, તે જ રીતે હું તેઓને આપેલાં વચન મુજબ તેઓનું સર્વ રીતે ભલું કરીશ.
43 તમે જે ભૂમિને વિષે એમ કહો છો કે, ‘એ તો વેરાન થઇ જાણો, એમાં નહિ માણસ વસે કે નહિ એમાં પશુ વસે.’ એ તો બાબિલવાસીઓના હાથમાં જ પડી જાણો. તેમાં લોકો ફરી ખેતર ખરીદશે.
44 બિન્યામીન કુળસમૂહના પ્રદેશમાં, યરૂશાલેમની આસપાસ, યહૂદિયાના ગામોમાં, પહાડી દેશોમાં, શફેલાહની તળેટીમાં અને નેગેબમાં લોકો ખેતરો ખરીદશે, કિંમત ચૂકવશે, અને સહીસીક્કા કરીને કરારો બનાવશે, કારણ કે હું તેમનું ભાગ્ય ફેરવી તેઓને સુખ-સમૃદ્ધિ આપીશ.”