33
શાંતિ અને સમૃદ્ધિ માટે દેવનું વચન
1 યમિર્યા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યાં જ તેને બીજી વાર યહોવાની વાણી સંભળાઇ.
2 આ પ્રમાણે યહોવા કહે છે જે જગતનો ઉત્પન કરનાર છે, જે યહોવાએ તેને સ્થાપિત થાય તે માટે બનાવ્યું છે, યહોવા તેનુ નામ છે.
3 “તું મને હાંક માર અને હું તને જવાબ આપીશ. આ સ્થળે જે બનવાનું છે તે વિષે કેટલાક ગાઢ રહસ્યો હું તને જણાવીશ.
4 આથી જ ઇસ્રાએલના દેવ યહોવા આ નગરના ઘરો અને યહૂદિયાના રાજાઓના ઘરો માટે કહે છે, જેને બાબિલના હુમલાઓથી રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં.
5 “તેઓ બાબિલની વિરુદ્ધ લડાઇ કરશે, પણ પછી તેઓ એ લોકોના મૃત દેહથી પોતાના ઘરોને ભરી દેશે. જેઓને મે ગુસ્સાથી મારી નાખ્યા છે. આવું બનશે કારણકે, તેમણે આચરેલા દુષ્કૃત્યોને લીધે મેં આ નગર છોડી દીધું છે.
6 “છતાં એવો સમય આવશે ત્યારે હું તેના ઘા રૂઝાવીશ અને આરોગ્ય બક્ષીસ. હું તેના વતનીઓને સાજા કરી પૂર્ણ શાંતિને સલામતીનો અનુભવ કરાવીશ.
7 હું યહૂદિયા અને ઇસ્રાએલને ફરીથી બાંધીશ અને તેઓનું ભાગ્ય ફેરવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપીશ.
8 તેમણે મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યા છે તે હું ધોઇ નાખીશ, તથા તેઓને ક્ષમા આપીશ.
9 પછી આ યરૂશાલેમ માટે પૃથ્વી પરની બધી પ્રજાઓ સમક્ષ આનંદનું, સ્તુતિનું અને ગૌરવનું કારણ થઇ પડશે. હું એને જે બધી સંપત્તિ બક્ષવાનો છું તેની વાત જ્યારે એ પ્રજાઓ જાણશે, ત્યારે મેં એને બક્ષેલી સંપત્તિ અને સુખશાંતિથી ભયભીત થઇને કંપી ઉઠશે.”
10 યહોવા કહે છે તે આ પ્રમાણે છે: “આ દેશમાં, જે, તું કહે છે કે નાશ પામ્યું છે, માણસો અને પ્રાણીઓ વગરના યહૂદિયાના શહેરોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી જે હવે નિર્જન છે, ત્યાં ફરી એક વખત અવાજો સંભળાશે.
11 વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે, ‘સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર’ લોકો આ પ્રમાણે કહેશે. કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ.” આ યહોવાના વચન છે.
12 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આ જગ્યામાં એનાં માનવ કે પશુની વસ્તી વગરનાં ખંડેર ગામોં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતા ભરવાડોનું આશ્રયસ્થાન થશે.
13 પહાડી દેશમાં, શફેલાહના ગામોમાં અને નેગેબ અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમની નજીકના સ્થળોએ ફરીવાર ઘેટાં ગણતા ઘેટાંપાળકોના હાથ નીચેથી ઘેટાં પસાર થશે.”
સારી શાખા
14 યહોવા કહે છે કે, “એવો દિવસ આવશે કે ઇસ્રાએલ તથા યહૂદિયાના હકમાં સર્વ સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ.
15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.
16 તે સમયે યહૂદિયા તથા યરૂશાલેમના લોકો સમૃદ્ધ થશે અને તેઓ સુરક્ષામાં જીવશે. ‘યહોવા આપણું ન્યાયીપણું’ એ તેઓનું નામ હશે.”
17 કારણ કે યહોવા આ પ્રમાણે કહે છે, “ઇસ્રાએલની ગાદીએ બેસવા માટે દાઉદના કુટુંબમાં કદી વારસની ખોટ નહિ પડે,
18 અને ત્યાં અર્પણ એવા બલિદાન, પ્રાણીઓના બલિદાન વગેરે માટે હવે લેવી વંશી યાજકનો અભાવ નહિ હોય.”
19 ત્યારબાદ યહોવાનો આ સંદેશો યમિર્યા પાસે આવ્યો:
20 મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી.
21 એ જ પ્રમાણે મેં મારા સેવક દાઉદ સાથે કરાર કર્યો છે કે, રાજ્યશાસન પર હંમેશા તેનો વંશજ રાજ કરશે. વળી લેવી કુળના યાજકો સાથે મેં કરાર કર્યો છે કે, તેઓ હંમેશા મારી સેવા કરશે અને આ કરારોનો પણ ભંગ થઇ શકે નહિ.
22 આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના અને મારી સેવા કરનાર લેવીવંશી યાજકના કુળસમૂહોની વૃદ્ધિ કરીશ.”
23 યહોવાએ યમિર્યા સાથે ફરીથી વાત કરી અને કહ્યું,
24 “લોકો શું કહે છે તે તેં સાંભળ્યું છે? ‘યહોવાએ યહૂદિયા તથા ઇસ્રાએલને પસંદ કર્યાર્ અને પછી ફરી તેઓનો ત્યાગ કર્યો! તેઓ હાંસી કરે છે અને કહે છે કે, દેવની પ્રજા તરીકે ઇસ્રાએલની ગણના કરી શકાય તેમ નથી.’ ”
25 પરંતુ યહોવાનો ઉત્તર આ છે: “દિવસ તથા રાત અને પૃથ્વી તથા આકાશના પરિમણનો સમય નિર્ધારિત કરેલો છે;
26 એટલી ખાતરી છે કે યાકૂબના વંશજો અને મારા સેવક દાઉદ સાથેનો કરાર એ પણ એટલો જ ચોક્કસ છે. હું જરુર ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર રાજ કરવા માટે દાઉદના કોઇ વંશજને પસંદ કરીશ. હું તેઓ પર દયા દર્શાવીશ અને તેઓના ભાગ્યને બદલી નાખીશ.”