44
યહૂદા અને મિસરના લોકોને યહોવાનો સંદેશ
1 મિસરના ઉત્તર ભાગમાં મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથોસના પ્રદેશમાં વસતા યહૂદિયાવાસીઓ વિષે યહોવાનો સંદેશો યમિર્યા પાસે આવ્યો.
2 “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: યરૂશાલેમ અને યહૂદિયાના બધા નગરો પર મેં જે આફત ઉતારી છે તે તમે જોઇ છે. આજે પણ એ નગરો ખંડેર હાલતમાં અને વસ્તી વગરના છે.
3 જે ‘દેવો’ ને તેઓએ કે તમે તમારા પિતૃઓમાંથી પણ કોઇએ જાણ્યા નથી, તે દેવોની તેઓએ પૂજા કરી; તેથી હું તેઓ પર અતિ કોપાયમાન થયો.
4 મેં સતત મારા સેવકો, પ્રબોધકો, મોકલીને તેમને ચેતવ્યા હતા કે, ‘આ અધમ કૃત્ય કરશો નહિ; હું તિરસ્કાર કરું છુ.’
5 પરંતુ તમારા વડવાઓએ સાંભળ્યું નહિ, અને પોતાના દુષ્ટ માગોર્થી પાછા ફર્યા નહિ; તેઓએ તો આ ‘દેવો’ આગળ પોતાના બલિદાનો ચઢાવવાનું ચાલું જ રાખ્યું.
6 આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો અને તે શહેરો ખંડેર અને વેરાન થઇ ગયાં, આજે પણ તેમની એ જ દશા છે, ઉજ્જડ પડેલાં છે.”
7 અને હવે હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું: “આવી સમસ્યાઓ તમે તમારે માથે શા માટે નોતરો છો? તમે શા માટે યહૂદિયાના સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને ધાવણાં બાળકોનો વિનાશ થવા દો છો? તમે શા માટે તમારીં પાછળ કોઇને બાકી રહેવા દેતા નથી?
8 તમે મૂર્તિઓ બનાવી છે અને અહીં મિસરમાં તેઓની પૂજા કરીને તેઓની આગળ બલિ ચઢાવી ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને વધુ કોપાયમાન કર્યો છે અને તમારો સંપૂર્ણ વિનાશ કરવા તથા તમને પૃથ્વીના સર્વ દેશોમાં શાપરૂપ તથા નિંદારૂપ કરવા તમે મને ફરજ પાડી છે.
9 તમારા પિતૃઓના પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ, અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરૂશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલા પાપ શું તમે ભૂલી ગયા?
10 આજપર્યંત તમે તે માટે પશ્ચાતાપ કર્યો નથી, કે મેં તમારી અને તમારા પિતૃઓની આગળ રજૂ કરેલા નિયમો અને કાયદાઓનું પાલન કર્યું નથી.”
11 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે: “જુઓ, હું તમારી પર ભયાનક મુસીબતો મોકલવા માટે અને યહૂદિયાના લોકોનો જડમૂળથી નાશ કરવા માટે કૃત નિશ્ચયી છું.
12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે.
13 યરૂશાલેમની જેમ જ મિસરમાં વસનારાઓને પણ હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી સજા કરીશ.
14 તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઇને વસવાની આશાએ મિસરમાં જઇને વસ્યા છે તેમાંથી કોઇ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી, કારણ, થોડા ભાગી છૂટેલા સિવાય કોઇ મારા કોપમાંથી બચી શકવાના નથી.”
15 આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલી ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેમને તેમ જ મિસરમાં પાથોસમાં વસતાં બધા માણસોને યમિર્યાએ કહ્યું,
16 “તું અમારા માટે દેવનો સંદેશ લાવે છે, પણ અમે એ સાંભળવાનાં નથી.
17 અમે જે જે કરવાની પ્રતિજ્ઞા કરી છે તે જ અમે ચોક્કસ કરીશું. અમે અને અમારા વડીલો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો જેમ યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમમાં થાય છે, તેમ આકાશની સમ્રાજ્ઞીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવતા રહીશું. તે વખતે અમને જોઇએ તેટલું ખાવા મળતું હતું, અમે ઘણા સુખી અને સમૃદ્ધ હતા.
18 પરંતુ જ્યારથી અમે આકાશની સામ્રાજ્ઞીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, યુદ્ધનો કે દુકાળનો અમે ભોગ થઇ પડ્યા છીએ.”
19 સ્ત્રીઓ બોલી ઊઠી, “શું તું એવું ધારે છે કે અમારા પતિઓની સંમતિ વગર, તેઓની મદદ વિના ‘આકાશની સામ્રાજ્ઞી’ ની પૂજા કરતા હતાં અને તેને પેયાર્પણ ચઢાવતા હતાં તેમ જ તેની મુદ્રાવાળી રોટલીઓ તૈયાર કરી તેને અર્પણ કરતા હતાં? ના, એવું નથી.”
20 પછી યમિર્યાએ એવો ઉત્તર આપનારા સૌ કોઇને, સ્ત્રીઓને અને પુરુષોને કહ્યું,
21 “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમજ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતાં, તને લાગે છે કે તેને તે યાદ નથી? ચોક્કસ, તે આ બધું તેના મનમાં રાખે છે.
22 તમે જે દુષ્કમોર્ કરતા હતા તે યહોવા વધુ વખત સહન કરી શક્યા નહિ; તેથી તેમણે તમારો દેશ જેમ આજે છે તેમ ઉજ્જડ, વેરાન, શ્રાપરૂપ અને નિર્જન કરી નાખ્યો.
23 તમારા પર આ આફત આવી છે અને આજે પણ કાયમ છે તેનું કારણ, તમે એ અપીર્ને યહોવાનો અપરાધ કર્યો, તેનું કહ્યું કર્યુ નહિ કે તેના નિયમો, કાયદાઓ અને આજ્ઞાઓનું પાલન પણ ન કર્યું.”
24 પછી યમિર્યાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, “મિસરમાં વસતા યહૂદિયાના નાગરિકો તમે સર્વ યહોવાનું વચન ધ્યાનથી સાંભળો!
25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, ‘જ્યા સુધી આ બાબત તને અને તારી પત્નીને લાગુ પડે છે, તેં એ જ કર્યુ છે જે તે કહ્યું હતું, “તે કહ્યું હતું, અમે સ્વર્ગની રાણીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવીને અમારી પ્રતિજ્ઞા ચોક્કસ પાળીશું તેથી કોઇ પણ ભોગે તમે તમારી પ્રતિજ્ઞાઓ પૂરી કરો.” ’
26 પણ મિસરમાં વસતા બધાં યહૂદીઓ, તમે મારા વચન ધ્યાનથી સાંભળો; હું મારા મોટા નામનાં સમ ખાઇને કહું છું. ‘આ હું યહોવા બોલું છું, કે આખા મિસરમાં હવે કોઇ પણ યહૂદી મારું નામ લઇ શકશે નહિ. કોઇ પણ યહૂદી “યહોવાના સમ કહીને સમ લઇ શકશે નહિ.”
27 સાવધાન, હું તમારા પર મારી નજર રાખીશ પણ તમારા ભલા માટે નહિ! તમારા પર આફત આવે તેવું હું કરીશ, અને તમે બધાં યુદ્ધ અને દુકાળથી સમાપ્ત થઇ જશો. કોઇ પણ બચવા નહિ પામે.
28 તેમ છતાં મિસરમાં વસતાં થોડા યહૂદીઓ મોતમાંથી ઊગરી જશે અને તેઓ યહૂદિયા પાછાં જશે. ત્યારે બચવા પામેલા લોકોને ખબર પડશે કે કોના વચન સાચાં છે, મારાં કે તેમના.
29 હું તને આ પ્રમાણે નિશાની આપીશ કે, તેથી હું તને મિસરમાં શિક્ષા કરીશ, કે જેથી તને ખબર પડે કે હું તારી પર ખરેખર ભયાનક વિપત્તિ લાવીશ.’
30 યહોવા કહે છે: ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના દુશ્મનના હાથમાં, તેનો જીવ લેવાની શકિત લોકોના હાથમાં સોંપીશ.’ ”