45
બારૂખને યહોવાનો સંદેશ
1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના અમલમાં ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના પુત્ર બારૂખે પ્રબોધક યમિર્યાએ લખાવ્યા પ્રમાણે આ શબ્દો એક પોથીમાંથી લખી લીધા.
2 ત્યારબાદ યમિર્યાએ તેને કહ્યું, “બારૂખ, તારી બાબતમાં ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે:
3 તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.’ ”
4 યહોવા કહે છે, “બારૂખને આ પ્રમાણે કહે: ‘આ દેશને મેં બાંધ્યો છે, હવે હું તેનો નાશ કરીશ. જે મેં સ્થાપન કર્યું છે તેને હું દૂર કરીશ.
5 તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.’ ”