12
કેટલાક યહૂદીઓ ઈસુની ટીકા કરે છે
(માર્ક 2:23-28; લૂક 6:1-5)
1 તે સમયે, ઈસુ વિશ્રામવારે પોતાના શિષ્યો સાથે અનાજના ખેતરોમાંથી જતો હતો. તેના શિષ્યો ભૂખ્યા થયા હતા. તેથી તેઓ અનાજના કણસલાં તોડી ખાવા લાગ્યા.
2 ફરોશીઓએ આ જોયું અને તેમણે ઈસુને કહ્યું: “જો! તારા શિષ્યો શાસ્ત્રના નિયમનો ભંગ કરે છે. અને અનાજના કણસલાં તોડે છે જે વિશ્રામવારે કરવાની મનાઈ છે.”
3 ઈસુએ તેમને કહ્યું, “શું તમે વાંચ્યું છે કે જ્યારે દાઉદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાઉદે શું કર્યુ હતું?
4 દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો?
5 શું મૂસાના નિયમશાસ્ત્રમાં તમે કદીયે વાચ્યું નથી? વિશ્રામવારે ફરજ પાલન કરનારા યાજકો નિયમનો ભંગ કરે અને છતાં પણ તેમને દોષિત ગણાવતા નથી?
6 હું તમને કહું છું, અહીં એવું કોઈક છે કે જે મંદિર કરતાં પણ મોટો છે.
7 શાસ્ત્રો કહે છે, ‘મારે પ્રાણીના યજ્ઞો નથી જોઈતા; પણ હું લોકોમાં દયા ચાહું છું’ તમે જો શાસ્ત્રોના આ શબ્દોના સાચા અર્થો સમજતા હોત તો જેઓ નિર્દોષ છે, તેઓને દોષિત ન ઠરાવત.
8 “આ માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
ઈસુ માણસના અપંગ હાથને સાજો કરે છે
(માર્ક 3:1-6; લૂક 6:6-11)
9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો.
10 ત્યાં સભાસ્થાનમાં એક વ્યક્તિ હતી જેનો હાથ અપંગ હતો. તેથી લોકોએ ઈસુને પૂછયું, “શું નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે કોઈને સાજો કરવો એ શું યોગ્ય ગણાય?”
11 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ખાડામાં પડી ગયું હોય તો શું તમે તેને પકડી ખાડામાંથી બહાર નહિ કાઢો?
12 ઘેટાં કરતાં મનુષ્ય વધારે મૂલ્યવાન છે, માટે વિશ્રામવારે ભલાઈનાં કામ કરવાની નિયમશાસ્ત્ર અનુસાર મંજૂરી હોય છે.”
13 પછી ઈસુએ પેલા માણસને કહ્યું, “તારો હાથ મને જોવા દે.” તે માણસે પોતાને હાથ ઈસુ પાસે ધર્યો કે તરત જ તેનો હાથ બીજા હાથ જેવો થઈ ગયો.
14 ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાની યોજના બનાવી.
ઈસુ દેવનો પસંદ કરેલ સેવક
15 ફરોશીઓ શું કરવાના છે, તેની ઈસુને જાણ થઈ. તેથી ઈસુ તે જગ્યા છોડી ચાલ્યો ગયો. ઘણા લોકો તેની પાછળ ગયા. ઈસુએ બધા જ બિમાર લોકોને સાજા કર્યા.
16 ઈસુએ લોકોને ચેતવણી આપી કે તે કોણ હતો, તે બીજા લોકોને કહેવું નહિ.
17 આમ બન્યુ, જેથી યશાયા પ્રબોધકના શબ્દો સાચા પુરવાર થયા,
18 “જુઓ, આ મારો સેવક છે;
જેને મેં પસંદ કર્યો છે;
હું તેને પ્રેમ કરું છું
અને એનાથી હું સંતુષ્ટ છું;
હું મારો આત્મા તેનામાં મૂકીશ,
અને તે બધા દેશોના લોકોનો ન્યાય કરશે.
19 તે વાદવિવાદ કરશે નહિ કે બૂમો પાડશે નહિ;
લોકો તેને શેરીઓમાં ઊંચા અવાજે બોલતો સાંભળશે નહિ.
20 કારણ કે ન્યાયનો વિજય ન થાય ત્યાં સુધી બરું જેવા કમજોરને તે કચડી નાખશે નહિ;
કે મંદ મંદ સળગતી જ્યોતને તે હોલવી નાખશે નહિં.
બધા જ દેશોને ન્યાયનો વિજય થશે ત્યાં સુધી પોતાનું કાર્ય ચાલુ રાખશે.
21 બધા જ રાષ્ટ્રોના લોકો તેનામાં આશા રાખશે.” યશાયા 42:1-4
દેવ તરફથી પ્રાપ્ત થયેલ ઈસુનું સાર્મથ્ય
(માર્ક 3:20-30; લૂક 11:14-23; 12:10)
22 પછી કેટલાએક માણસો એક માણસને ઈસુ પાસે લાવ્યા. તે અંધ હતો અને બોલી પણ શકતો ન હતો, કારણ તેનામાં ભૂત હતું. ઈસુએ તેને સાજો કર્યો. તે માણસ બોલતો થયો અને દેખતો પણ થયો.
23 બધા જ લોકો આશ્ર્ચર્યમુગ્ધ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, “તે (ઈસુ) દાઉદનો દીકરો હોય તેમ બની શકે! જેને દેવે આપણી પાસે મોકલવાનું વચન આપ્યું છે!”
24 જ્યારે ફરોશીઓએ સાંભળ્યું ત્યારે કહેવા લાગ્યા, “ઈસુ ભૂતોના રાજા બઆલઝબૂલની મદદથી ભૂતોને હાંકી કાઢે છે.”
25 ઈસુને જ્યારે તેમના વિચારોની જાણ થઈ, ત્યારે ઈસુએ કહ્યું, “દરેક રાજ્ય અંદરો અંદર લડે તો તેનો નાશ થાય છે. દરેક શહેરમાં જ્યારે ભાગલા પડે તો તે લાંબો સમય ટકી શકતું નથી. તેમ દરેક કુટુંબમાં પણ ભાગલા પડે તો તે કુટુંબ ઊભું રહી શકે નહિ.
26 તે રીતે જો શેતાન શેતાનને હાંકી કાઢે તો તેના પોતાનાથી જ છૂટો પડે તો પછી તેનું રાજ્ય કેવી રીતે ટકાવી શકે.
27 તમે કહો છો કે ભૂતોને કાઢી મૂકવા હૂં બાલઝબૂલનો ઉપયોગ કરું છું, જો એ સાચુ હોય તો તમારા લોકો ભૂતોને હાંકી કાઢવા કઈ શક્તિનો ઉપયોગ કરે છે? આથી તમારા લોકો જાતે જ સાબિત કરે છે કે, તમે ખોટા છો.
28 પણ હું તો ભૂતોને કાઢવા દેવના આત્માના સાર્મથ્યનો ઉપયોગ કરું છું. જે બતાવે છે કે હવે દેવનું રાજ્ય તમારી નજીક આવી રહ્યું છે.
29 જો કોઈએ બળવાનના ઘરમાં પ્રવેશ કરવો હોય અને તેની વસ્તુઓ ચોરી લેવી હોય તો, પહેલા તો બળવાન માણસને તમારે બાંધી દેવો જોઈએ, પછી જ તે માણસના ઘરમાં કોઈપણ વ્યક્તિ તેની વસ્તુઓની ચોરી કરી શકે છે.
30 જો જે વ્યક્તિ મારી સાથે નથી તો તે મારી વિરૂદ્ધમાં છે. જે મારી સાથે કામ કરી શકતો નથી, તે મારી વિરૂદ્ધમાં કામ કરે છે.
31 “તેથી હું કહું છું, લોકોએ કરેલું દરેક પાપ અને પ્રત્યેક દુર્ભાષણ આ બધુજ માફ થઈ શકે છે. પણ જે કોઈ માણસ પવિત્ર આત્માની વિરૂદ્ધ જે દુર્ભાષણ કરે છે તે માણસને માફ નહિ કરાશે.
32 કોઈ માણસના દીકરાની વિરૂદ્ધ બોલે તો તેને માફ થઈ શકે, પરંતુ કોઈ પવિત્ર આત્માની વિરૂદ્ધ બોલે તો તે વ્યક્તિને માફ કરી શકાય નહિ. આ યુગમાં પણ નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.
કાર્યથી માણસની ઓળખાણ
(લૂક 6:43-45)
33 “જો તમારે સારું ફળ જોઈતું હોય તો સારું વૃક્ષ રોપવું જોઈએ, તમારું વૃક્ષ સારું નહિ હોય તો તેને ખરાબ ફળ મળશે. વૃક્ષની ઓળખાણ તેના ફળથી જાણી શકાય છે.
34 ઓ સર્પોના વંશ, તમે જ ખરાબ હો તો સારી વાત કેવી રીતે કરી શકો? તમારા હૃદયમાં જે કાંઈ ભર્યુ છે તે જ મુખ બોલે છે.
35 સારા માણસના હૃદયમાં સારી વસ્તુ સંધરેલી હોય તો તે સારું જ ખોલે છે. પણ જો દુષ્ટના હૃદયમાં ખરાબ વાત સંઘરેલી હોય તો તેને હોઠે ખરાબ વાત જ બોલાય છે.
36 પણ હું તમને કહું છું કે ન્યાયકાળે દરેક વ્યક્તિએ તેણે બોલેલા પ્રત્યેક અવિચારી શબ્દ માટે ઉત્તર આપવો પડશે.
37 તમે બોલેલા શબ્દોના આધારે જ તમારો ન્યાય કરવામાં આવશે, તમારી કહેલી કેટલીક વાતો તમને નિર્દોષ ઠરાવશે. અને તમારી કહેલી કેટલીક વાતો તમને દોષિત કરાવશે.”
ઈસુની પાસે યહૂદિઓએ નિશાની માંગી
(માર્ક 8:11-12; લૂક 11:29-32)
38 એક દિવસે કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, “ઉપદેશક, અમને નિશાનીરૂપે કંઈ ચમત્કાર કરી બતાવ.”
39 ઈસુએ કહ્યું, “દેવળ દુષ્ટ અને અવિશ્વાસી લોકો જ નિશાની તરીકે ચમત્કારની માંગણી કરે છે. પરંતુ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની અપાશે નહિ.
40 જેમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો તેમ માણસનો દોકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે.
41 ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે, અને તમને દોષિત ઠરાવશે. કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા. પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો.
42 “ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે.
લોકોમાં શેતાન
(લૂક 11:24-26)
43 “અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી ઉજજડ સ્થળોએ વિસામો શોધતો ફરે છે પણ એને એવું કોઈજ સ્થળ વિસામા માટે મળતું નથી.
44 તેથી તે કહે છે, ‘જેના ઘેરથી (વ્યક્તિ) હું નીકળ્યો છું તેના જ ઘરે (વ્યક્તિ) હું પાછો જઈશ.’ તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું ઘર ખાલી સ્વચ્છ અને સુઘડ બનાવેલું છે.
45 પછી તે અશુદ્ધ આત્મા જાય છે અને પોતાના કરતાં વધુ ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને લાવે છે. અને એ બધાજ પેલા માણસમાં પ્રવેશીને રહે છે. આ અગાઉ કરતાં તેની દશા વધારે કફોડી બને છે. આ દુષ્ટ પેઢીના લોકો જે આજે છે તેમની હાલત પણ એવી જ થશે.”
ઈસુના શિષ્યો જ તેનું કુટુંબ
(માર્ક 3:31-35; લૂક 8:19-21)
46 ઈસુ જ્યારે લોકોને વાત કરી રહયો હતો ત્યારે તેની સાથે વાત કરવાની ઈચ્છાથી તેની મા અને ભાઈઓ ઘરની બહાર ઊભા રહ્યા હતા.
47 એક માણસે ઈસુને આવીને કહ્યું, “તારી મા અને ભાઈઓ તારી સાથે વાત કરવાની ઈચ્છાથી તારી રાહ જોઈને બહાર ઊભા રહ્યાં છે.”
48 ઈસુએ ઉત્તર આપ્યો, “કોણ મારી મા અને કોણ મારા ભાઈઓ?”
49 પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધી ને કહ્યું, “જુઓ! આ લોકો જ મારી મા અને મારા ભાઈઓ છે.
50 મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે વર્તે છે તે જ મારા ભાઈ, બહેન, અને મા છે.”