2
જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા
તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુ:ખ થાય તેવુ કશું જ ન કરો. અસત્ય ન બોલશો, લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો. ઈર્ષાળુ ન થાઓ, અદેખાઇ ન કરો. આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો. નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે. પ્રભુની દયાનો અનુભવ તમે ક્યારનોય કર્યો છે. તેથી તેના વડે તારણ મેળવવા આગળ વધો.
પ્રભુ ઈસુ તે જીવંત “પથ્થર” છે. દુનિયાના લોકોએ નિર્ણય કર્યો કે તેઓને આ પથ્થર (ઈસુ) ની જરુંર નથી.
પરંતુ તે તો દેવ દ્ધારા પસંદગી પામેલ પથ્થર હતો. અને દેવ આગળ તેનું ઘણું મૂલ્ય હતું. તેથી તેની નજીક આવો. તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો. પવિત્રશાસ્ત્ર કહે છે કે:
 
“જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે,
અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું;
જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” યશાયા 28:16
 
તેથી તમે વિશ્વાસ કરનારાઓના માટે તે પથ્થર મૂલ્યવાન છે પણ અવિશ્વાસીઓ માટે તે પથ્થર - તે એક એવો પથ્થર છે:
 
“જેને સ્થપતિઓએ અવગણ્યો છે.
તે પથ્થર ઘણોજ મહત્વનો પથ્થર બન્યો.” ગીતશાસ્ત્ર 118:22
 
અવિશ્વાસીઓ માટે, તે છે:
 
“તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે,
એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” યશાયા 8:14
 
લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.
પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.
 
10 કોઈ એક સમયે તમે પ્રજા જ ન હતા.
પરંતુ હવે તમે દેવની પ્રજા છો.
ભૂતકાળમાં તમને દયા પ્રાપ્ત થઈ નહોતી.
પરંતુ હવે તમને દયા પ્રાપ્ત થઈ છે.*
દેવ માટે જીવો
11 પ્રિય મિત્રો, આ દુનિયામાં તમે અજાણ્યા પરદેશી અને પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઈચ્છે છે તે વિષયોથી દૂર રહો. તે વસ્તુઓ તમારા આત્માની વિરૂદ્ધ લડે છે. 12 તમારી સાથે આજુબાજુ અવિશ્વાસીઓ રહે છે. તેઓ કહેશે કે તમે ખોટું કરી રહ્યાં છો. તેથી સારું જીવન જીવો. પછી તમે જે સત્કર્મો કરો છો તેને તેઓ જોશે. અને પુનરાગમનના દિવસે દેવનો મહિમા વધારશે.
દરેક માનવીય સત્તાને આધિન રહો
13 આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો. 14 રાજા દ્ધારા મોકલવામા આવેલા અધિકારીઓને આજ્ઞાંકિત બનો. જે લોકો ખોટું કરે છે તેઓને શિક્ષા કરવા અને જે લોકો સારું કરે છે, તેઓના વખાણ કરવા આ લોકોને દેવે મોકલ્યા છે. 15 તેથી જ્યારે તમે સારું કરો ત્યારે તમારા વિષે મૂર્ખાઇ ભરેલી વાતો કરતા મૂર્ખ લોકોના મુખ તમે બંધ કરી દો. દેવ જે ઈચ્છે તે આ છે. 16 સ્વતંત્ર લોકોની જેમ જીવો. પરંતુ દુષ્ટ કાર્ય કરવા માટે સ્વતંત્રતાને બહાનું ન બનવા દેવની સેવામાં જીવન વિતાવો. 17 દરેક લોકોનો આદર કરો. દેવના કુટુંબના દરેક ભાઈઓ અને બહેનોને પ્રેમ કરો. રાજાનું સન્માન કરો અને દેવથી ડરો, અને રાજાને માન આપો.
ખ્રિસ્તની વેદનાનું દ્દષ્ટાત
18 ચાકરો, તમારા ધણીની સત્તાનો સ્વીકાર કરો. અને તે પણ સંપૂર્ણ સન્માનસહિત કરો. તમારે ભલા અને દયાળુ ધણીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેમજ ખરાબ ધણીની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ. 19 પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ દેવનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી દેવને આનંદ થાય છે. 20 પરંતુ કશું દુષ્ટ કાર્ય કરવા જો તમને શિક્ષા કરવામાં આવે, તો એ શિક્ષા સહન કરવા બદલ તમને કોઇ ધન્યવાન ન મળવા જોઈએ. પરંતુ સારું કરવા છતાં, તમને દુ:ખ પડે અને તમે તે દુ:ખ સહન કરો છો, તો તે દેવની નજરમાં પ્રસંશાપાત્ર છે. 21 પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.
 
22 “તેણે કોઈ પાપ નહોતું કર્યુ,
અને તેના મુખેથી કોઇ અસત્ય ઉચ્ચારયું નહોતું.” યશાયા 53:9
 
23 ખ્રિસ્ત વિષે લોકો ખરાબ બોલ્યા, પરંતુ ખ્રિસ્ત તેઓના માટે કશું જ ખરાબ ન બોલ્યા. ખ્રિસ્તે સહન કર્યું પરંતુ લોકોને તેણે ધમકાવ્યા નહિ. અદબ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. ખ્રિસ્તે દેવને તેની કાળજી લેવા દીધી. દેવ તે યોગ્ય ન્યાય કરે છે. 24 વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં. 25 તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.
* 2:10 કોઈ … થઈ છે હોસિયા 2:23.