3
પત્નીઓ અને પતિઓ
1 તે જ રીતે પત્નીઓએ પતિઓની સત્તાને સ્વીકારવી જોઈએ. તેથી જો તમારામાંના કેટલાએક પતિઓ દેવની સુવાર્તાને અનુસરવા ના પાડે, તો તેઓને અનુસરવા સમજાવી શકાય. તમારે કંઈજ કહેવાની જરુંર નથી. તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી સમજી શકશે.
2 દેવ પ્રત્યેના સન્માન સાથે તમે જે જીવન જીવો છો તે તમારા પતિઓ જોશે.
3 તમારો બાહ્ય શણગાર કલાત્મક રીતે ગુંથેલા કેશ, સોનાના ઘરેણાંનો કે સુંદર વસ્ત્રોનો એવો ના હોય.
4 ના! તમારી સુંદરતા તો એવી હોવી જોઈએ જે તમારા અંત:કરણમાંથી આવતી હોય. નમ્ર અને શાંત આત્માની આ સુંદરતા કદી અદશ્ય નહિ થાય. તે દેવ માટે ઘણીજ મૂલ્યવાન છે.
5 ઘણા વખત પહેલા દેવને અનુસરનારી પવિત્ર નારીઓ સાથે પણ આમ જ હતું. એજ રીતે તેમણે તેઓની જાતને સુંદર બનાવી હતી અને તેમના પતિઓની સત્તાને તેમણે સ્વીકારી હતી.
6 હું સારા જેવી સ્ત્રીની વાત કરું છું. તે પોતાના પતિ ઈબ્રાહિમને આજ્ઞાંકિત રહી અને તેને પોતાનો સ્વામી ગણ્યો. અને જો તમે હંમેશા યોગ્ય વર્તન કરો અને ભયભીત ન બનો તો તમે પણ સારાનાં સાચાં સંતાન છો.
7 તે જ રીતે તમારે પતિઓએ પણ તમારી પત્નીઓ સાથે સમજણપૂર્વક રહેવું જોઈએ. તમારી પત્નીઓ પ્રત્યે તમારે માન દર્શાવવું જોઈએ. તેઓ તમારા કરતાં નબળું પાત્ર છે. પરંતુ જે દેવના આશીર્વાદ તમને લભ્ય છે તે તેઓને પણ લભ્ય છે, અને એ કરૂણા પણ જે તમને સાચું જીવન બક્ષે છે. આમ કરો કે જેથી તમારી પ્રાર્થનામાં કોઈ મુશ્કેલી ઊભી નહિ થાય.
સત્કર્મ કરવાને કારણે પડતું દુ:ખ
8 તેથી તમારે બધાએ ઐક્ય ભાવથી રહેવું જોઈએ. અને એક બીજાને સમજવાનો અને ભાઈની જેમ અકબીજાને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દયાળુ અને વિનમ્ર બનો.
9 એક વ્યક્તિ કે જેણે તમારું ભૂંડું કર્યુ હોય તો તેનો બદલો વાળવા તમે ભૂંડુ ન કરો. તમારા માટે નિંદા કરનારની સામે બદલો વાળવા તમે નિંદા ન કરો. પરંતુ દેવ પાસે તેને માટે આશીર્વાદ માગો. આમ કરો કારણ કે તમને જ આવું કરવા દેવે બોલાવ્યા છે. તેથી જ તમે દેવના આશીર્વાદને પાત્ર બન્યા છો.
10 પવિત્રશાસ્ત્ર કહે છે કે,
“જે વ્યક્તિ જીવનને પ્રેમ કરવા માગે છે
અને સારા દિવસોનો આનંદ માણવા માગે છે
તો તેણે દુષ્ટ બોલવા માટે પોતાની જીભ બંધ કરી દેવી જોઈએ,
અને જુઠું બોલવાથી પોતાના હોઠ બંધ કરી દેવા જોઈએ.
11 તે વ્યક્તિએ દુષ્ટ કાર્ય કરવાં ન જોઈએ અને સત્કર્મ કરવાં જોઈએ;
તેણે શાંતિની શોધ કરવી જોઈએ અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
12 પ્રભુની નજર સારા લોકો પર હોય છે,
અને દેવ તેઓની પ્રાથૅનાઓ સાંભળે છે;
પરંતુ દેવ દુષ્ટતા કરનારની વિરૂદ્ધ છે.” ગીતશાસ્ત્ર 34:12-16
13 જો તમે હંમેશા સત્કર્મને સમર્પિત હો તો કોઇ પણ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહિ.
14 પરંતુ સત્કર્મ કરવા છતાં પણ તમારે દુ:ખ સહન કરવું પડે. જો આમ થાય તો તમને ધન્ય છે. તમને દુ:ખી કરનાર લોકોથી ગભરાશો નહિ કે મુશ્કેલી અનુભવશો નહિ.
15 પરંતુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા હ્રદયમાં પવિત્ર માનો. તમારી આશા માટે સંદેહ કરે તેને પ્રત્યુત્તર આપવા હંમેશા તૈયાર રહો.
16 પરંતુ તમારો પ્રત્યુત્તર વિનમ્ર અને માનસહિત હોવો જોઈએ. તમે હંમેશા સારું કરો છો તેવી લાગણી અનુભવવા માટે સાર્મથ્યવાન બનો. તમે જ્યારે આમ કરશો ત્યારે, તમારા માટે ખરાબ બોલનાર લોકો શરમાશે. ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની તેઓ નિંદા કરે છે અને તેથી તમારા વિષે ખરાબ માટે તેઓ શરમાશે.
17 ખરાબ કામ કરી અને સહન કરવું એના કરતાં સારું કામ કરી અને સહન કરવું તે વધારે સારું છે. હા, જો દેવ તમે ઈચ્છતો હોય તો તે વધારે સારું છે.
18 ખ્રિસ્ત પોતે તમારા માટે મરણ પામ્યો.
અને મરણ તે તમારા પાપની એક ચૂકવણી હતી.
તે ગુનેગાર નહોતો.
પણ ગુનેગાર લોકો માટે તે મરણ પામ્યો.
તમને બધાને દેવની નજીક લાવવા
તેણે આમ કર્યુ તેનું શરીર મરણ પામ્યું,
પરંતુ આત્મા દ્ધારા તે સજીવન થયો.
19 તે કારાવાસમાં ગયો અને આત્માઓને આત્મામાં ઉપદેશ કર્યો.
20 તે એ આત્માઓ હતા કે જેમણે ઘણો વખત પહેલા એટલે કે નૂહના સમયમાં દેવની અવજ્ઞા કરનારા હતા. જ્યારે નૂહ વહાણ બાંધી રહ્યો હતો ત્યારે દેવ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે વહાણમાં માત્ર થોડાક જ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેઓ આઠ જણ હતા. તે લોકો પાણીથી બચાવી લેવાયા.
21 એ દષ્ટાત પ્રમાણે તે પાણી બાપ્તિસ્મા સમાન છે જે તમને અત્યારે બચાવે છે. બાપ્તિસ્મા એ શરીરનો મેલ દૂર કરવાની પ્રક્રિયા નથી. બાપ્તિસ્મા તો ઈશ્વર પાસે શુદ્ધ હ્રદય માટેની એક યાચના છે. તે તમને બચાવે છે કારણ કે ઈસુ ખ્રિસ્ત મૂએલામાંથી પુનરૂત્થાન પામ્યો હતો.
22 હવે, ઈસુ આકાશમાં ગયો છે. તે દેવની જમણી બાજુએ છે. તે દૂતો, અધિકારીઓ, અને પરાક્રમીઓ પર રાજ કરે છે.